ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
કોલકાતામાં અગ્નિકાંડનું તાંડવ: ન્યૂટાઉન અને માણિકતલામાં ભીષણ આગથી મચી દોડધામ, ૨૦૦થી વધુ પરિવારો બેઘર
ગેસ સિલિન્ડરના પ્રચંડ વિસ્ફોટ બાદ ઝૂંપડપટ્ટી રાખમાં ફેરવાઈ; કલાકોની જહેમત બાદ અગ્નિશામક દળે ૨૦ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મેળવ્યો કાબૂ

કોલકાતા, તા. ૧૮ : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા માટે ગત રાત્રિ અને આજની સવાર અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ હતી. શહેરના જાણીતા ન્યૂટાઉન વિસ્તારમાં આવેલી એક મોટી ઝૂંપડપટ્ટીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અંદાજે ૨૦૦ જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સેંકડો લોકોએ કડકડતી ઠંડીમાં પોતાની છત ગુમાવી દીધી છે.
ધડાકા સાથે શરૂ થયું મોતનું તાંડવ
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇકો પાર્ક નજીક આવેલી આ ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા પહેલા રસોઈ ગેસના સિલિન્ડરનો ગગનભેદી વિસ્ફોટ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને પોતાની ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. ફાયર વિભાગની ૨૦ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ જ્વાળાઓ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં અસરગ્રસ્ત પરિવારોને નજીકની સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. આજે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી નમૂના એકત્રિત કરશે જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય.
માણિકતલામાં પણ ભીષણ આગની બીજી ઘટના
હજુ ન્યૂટાઉનની આગ શાંત પડી હતી ત્યાં જ શહેરના માણિકતલા મુખ્ય માર્ગ પર કાકુરગાચીમાં સ્થિત એક ઓક્સિજન સિલિન્ડરના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. આ આગ જોતજોતામાં બાજુમાં આવેલા અન્ય એક ગોડાઉન અને કાપડના વર્કશોપમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં ૧૫ ફાયર ટેન્ડરોની મદદથી આજે સવારે અંદાજે ૭ વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. અહીં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાની માલમત્તાને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ટૂંકા ગાળામાં બનેલી આગની આ બે મોટી ઘટનાઓએ સમગ્ર કોલકાતામાં સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમો સામે પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
