હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુલિયન અસાંજેનો નોબેલ ફાઉન્ડેશન પર ‘યુદ્ધ’ છેડવાનો આરોપ: વિજેતા મારિયા માચાડોના કરોડો રૂપિયા અટકાવવા કોર્ટના દ્વાર ખટખટાવ્યા
વિકિલીક્સના સ્થાપકે સ્વીડનમાં દાખલ કરી ફોજદારી ફરિયાદ; કહ્યું- "શાંતિ પુરસ્કારના નામે યુદ્ધખોરીને પ્રોત્સાહન આપવું એ આલ્ફ્રેડ નોબેલના વસિયતનામાનો વિશ્વાસઘાત છે"

સ્ટોકહોમ, તા. ૧૮ : વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા નોબેલ શાંતિ પુરસ્કારને લઈને એક મોટો વિવાદ સર્જાયો છે. વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેએ ૨૦૨૫ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સામે મોરચો માંડ્યો છે. અસાંજેએ સ્વીડનની અદાલતમાં ફરિયાદ દાખલ કરીને માંગ કરી છે કે મચાડોને આપવામાં આવનારી ૧.૧૮ મિલિયન ડોલર (અંદાજે ૧૦ કરોડ રૂપિયાથી વધુ)ની રકમ તાત્કાલિક રોકી દેવામાં આવે.
શાંતિના નામે યુદ્ધના સમર્થનનો આક્ષેપ
અસાંજેની દલીલ છે કે માચાડો શાંતિના દૂત નથી, પરંતુ તેમણે વેનેઝુએલા સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી અને ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપનું જાહેરમાં સમર્થન કર્યું છે. વિકિલીક્સના નિવેદન મુજબ, માચાડોએ ટ્રમ્પ વહીવટીતંત્રને વેનેઝુએલાના તેલ ભંડાર અને કુદરતી સંસાધનો પર કબજો કરવા ઉશ્કેર્યા છે. અસાંજેએ ફરિયાદમાં જણાવ્યું છે કે, "નોબેલ ફાઉન્ડેશને શાંતિના સાધનને યુદ્ધના સાધનમાં ફેરવી દીધું છે, જે આલ્ફ્રેડ નોબેલની ઈચ્છા વિરુદ્ધ છે."
શું કહે છે આલ્ફ્રેડ નોબેલનું વસિયતનામું?
ફરિયાદમાં ૧૮૯૫ના ઐતિહાસિક વસિયતનામાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિને જ મળવો જોઈએ જેણે "રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો વધારવા અને સૈન્યમાં ઘટાડો કરવા" કામ કર્યું હોય. અસાંજેના મતે, માચાડોએ ગાઝામાં ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના વર્તનની પ્રશંસા કરીને અને યુદ્ધની ઉશ્કેરણી કરીને આ માપદંડોનું ઉલ્લંઘન કર્યું છે.
ટ્રમ્પની નાકાબંધી અને વધતો તણાવ
આ કાયદાકીય જંગ એવા સમયે શરૂ થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સામે ‘સંપૂર્ણ નાકાબંધી’ની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ધમકી આપી છે કે વેનેઝુએલાને અત્યાર સુધીના સૌથી મોટા નૌકાદળના કાફલા (આર્મડા) થી ઘેરી લેવામાં આવ્યું છે. અસાંજેનો આરોપ છે કે નોબેલના નાણાંનો ઉપયોગ આવી આક્રમકતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે.
નોબેલ ફાઉન્ડેશન માટે કટોકટી
અસાંજેએ સ્વીડિશ ઇકોનોમિક ક્રાઇમ ઓથોરિટીને વિનંતી કરી છે કે ફાઉન્ડેશનના અધિકારીઓ સામે "વિશ્વાસઘાત અને યુદ્ધ ગુનાઓની સુવિધા" આપવા બદલ તપાસ કરવામાં આવે. અગાઉ ૨૦૧૮માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર રોકવામાં આવ્યો હતો, તેનો દાખલો આપી અસાંજેએ જણાવ્યું છે કે ફાઉન્ડેશન પાસે વિતરણ રોકવાની સત્તા છે અને તેનો ઉપયોગ અહીં થવો જ જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
