<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર 'રાહવીર'ને મળશે ₹૨૫ હજારનું ઈનામ: નીતિન ગડકરીની લોકસભામાં મોટી જાહેરાત

ભારતમાં દર વર્ષે ૫ લાખ અકસ્માતોમાં ૧.૮૦ લાખ લોકો જીવ ગુમાવે છે: મૃત્યુ પામનારાઓમાં ૬૭ ટકા લોકો ૧૮ થી ૩૪ વર્ષની વયના યુવાનો:અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રથમ એક કલાકમાં (ગોલ્ડન અવર માં) હોસ્પિટલ પહોંચાડીને સારવાર આપવામાં આવે, તો દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાય

નવી દિલ્હી: દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા અને ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવા પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર હવે મદદ કરનાર નાગરિકને આર્થિક પુરસ્કાર આપી સન્માનિત કરશે.

 

ભારતમાં માર્ગ અકસ્માતોની વધતી જતી સંખ્યા અને તેમાં થતા મૃત્યુ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

 

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હાઈવે પર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની નિઃસ્વાર્થ ભાવે મદદ કરનાર નાગરિકને સરકાર હવે 'રાહવીર' તરીકે ઓળખશે અને તેને પ્રોત્સાહન પેટે ૨૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ પણ આપવામાં આવશે.

 

મૃત્યુના આંકડા અત્યંત ચિંતાજનક: ગડકરીએ સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરતા કહ્યું કે, ભારતમાં દર વર્ષે અંદાજે ૫ લાખ અકસ્માતો થાય છે, જેમાં ૧.૮૦ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ૬૭ ટકા લોકો ૧૮ થી ૩૪ વર્ષની વયના યુવાનો હોય છે. આ સ્થિતિ દેશના માનવ સંસાધન માટે મોટી ખોટ સમાન છે.

 

સમયસર સારવારથી બચી શકે છે ૫૦ હજાર જીવ: 'એઈમ્સ'  સંસ્થાના અહેવાલને ટાંકીને મંત્રીએ જણાવ્યું કે, જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રથમ એક કલાકમાં (સુવર્ણ કલાક/ગોલ્ડન અવર) હોસ્પિટલ પહોંચાડીને સારવાર આપવામાં આવે, તો દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાય તેમ છે. સામાન્ય રીતે લોકો પોલીસ કાર્યવાહીની બીકે મદદ કરવાથી દૂર રહેતા હોય છે, પરંતુ હવે સરકાર મદદગાર વ્યક્તિને સન્માન અને ઈનામ આપીને નાગરિકોને આગળ આવવા પ્રેરિત કરી રહી છે.

 

(4:28 PM IST)