<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

બાંગ્લાદેશમાં ફરી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ: ‘ઈન્કિલાબ મંચ’ના નેતા શરીફ ઉસ્માનના મોત બાદ ઢાકા ભડકે બળ્યું

વર્તમાન પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે અને સુરક્ષા દળો દ્વારા ટોળાને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી નેતાના મોતે ફરી એકવાર બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો: સિંગાપોરમાં સારવાર દરમિયાન વિદ્યાર્થી નેતાનું મોત થતા મધ્યરાત્રિએ ભીડ રસ્તા પર ઉતરી: પ્રચંડ આક્રોશ બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘પ્રથમ આલો’ની મુખ્ય ઓફિસમાં આગચંપી અને તોડફોડ રાજશાહીમાં અવામી લીગના કાર્યાલય પર ફરી હુમલો: ભારતીય દૂતાવાસ બહાર પણ તણાવપૂર્ણ સ્થિતિ

ઢાકા: બાંગ્લાદેશમાં શાંતિ ડહોળાઈ છે અને ફરી એકવાર હિંસાનો દોર શરૂ થયો છે. 'ઈન્કિલાબ મંચ'ના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીનું સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં ઢાકા સહિત અનેક શહેરોમાં પરિસ્થિતિ વણસી છે. અત્યારે ગુરુવારે રાત્રે આ સમાચાર મળતા જ ઢાકા યુનિવર્સિટી અને શાહબાગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મધ્યરાત્રિએ વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
સિંગાપોરમાં લીધા અંતિમ શ્વાસ
પ્રાપ્ત વિગતો મુજબ, શરીફ ઉસ્માન હાદીને ગોળી વાગવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને વધુ સારવાર અર્થે સિંગાપોર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, aaje6ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે (સ્થાનિક સમય) તેઓનું દુઃખદ અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર ‘ઈન્કિલાબ મંચ’ના ફેસબુક પેજ પર જાહેર થતાની સાથે જ સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મીડિયા હાઉસને નિશાન બનાવાયું
વિદ્યાર્થી નેતાના મોત બાદ ટોળાએ મીડિયા સંસ્થાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. બાંગ્લાદેશના સૌથી મોટા અને અગ્રણી ગણાતા બંગાળી અખબાર ‘પ્રથમ આલો’ (Prothom Alo) ની મુખ્ય ઓફિસ પર ટોળાએ હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ઓફિસમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અખબારની ઓફિસ ધુમાડાના ગોટામાં ઘેરાયેલી અને સળગતી જોવા મળી હતી. આ અખબાર પર પક્ષપાતી હોવાના અને આંદોલન વિરુદ્ધ વલણ દાખવવાના આક્ષેપો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજશાહીમાં ભારતીય મિશન બહાર હોબાળો
હિંસાની આગ માત્ર ઢાકા સુધી સીમિત નથી રહી. રાજશાહી શહેરમાં પણ અવામી લીગના કાર્યાલયમાં ફરી વખત તોડફોડ કરવામાં આવી છે. ચિંતાજનક બાબત એ છે કે રાજશાહી સ્થિત ભારતીય સહાયક હાઈ કમિશન ની બહાર પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટમાં ભારતીય દૂતાવાસને લઈને ધમકીભર્યા સૂરો પણ વ્યક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે રાજદ્વારી સંબંધોમાં પણ તણાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
વર્તમાન પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે અને સુરક્ષા દળો દ્વારા ટોળાને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી નેતાના મોતે ફરી એકવાર બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે.

(12:42 AM IST)