<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અમેરિકામાં 'નોરોવાઈરસ'ના નવા મ્યુટન્ટનો હાહાકાર: છેલ્લા એક દાયકાનો સૌથી ભયાનક રોગચાળો: શું છે લક્ષણો અને ઈલાજ?

વાઈરસનું બદલાયેલું સ્વરૂપ: આ વાઈરસમાં એક મોટું 'મ્યુટેશન' (બંધારણીય ફેરફાર) જોવા મળ્યું છે, જેના કારણે તે અગાઉ કરતાં અનેકગણો વધુ ચેપી અને ખતરનાક બન્યો: આ નવા સ્વરૂપના વાઈરસની અસર શરીર પર ૨૪ થી ૪૮ કલાકમાં દેખાવા લાગે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે: અચાનક અને સતત ઉલટી થવી ગંભીર ડાયેરિયા (ઝાડા) પેટમાં સખત દુખાવો અને મરોડ ઉપડવી હળવો તાવ અને માથાનો દુખાવો શરીરમાં કળતર અને સ્નાયુઓમાં દુખાવો સૌથી મોટું જોખમ: ડીહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ વાઈરસ ખતરનાક સાબિત થઈ શકે છે


ન્યુયોર્ક/વોશિંગ્ટન: કોરોના મહામારી પછી દુનિયાભરમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી છે, ત્યારે હવે અમેરિકામાં એક નવી મુસીબત આવી પડી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને બે એરિયા સહિતના વિસ્તારોમાં 'નોરોવાઈરસ' (Norovirus) ના કેસોમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. આ વખતે ચિંતાનું મુખ્ય કારણ વાઈરસનું બદલાયેલું સ્વરૂપ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ વાઈરસમાં એક મોટું 'મ્યુટેશન' (બંધારણીય ફેરફાર) જોવા મળ્યું છે, જેના કારણે તે અગાઉ કરતાં અનેકગણો વધુ ચેપી અને ખતરનાક બન્યો છે.
શું છે નવો ખતરો? કેમ મચી છે દોડધામ?
અમેરિકન આરોગ્ય સંસ્થાઓના ડેટા મુજબ, નોરોવાઈરસના કેસોમાં આવો ઉછાળો છેલ્લા ૧૦ વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આ વાઈરસ સક્રિય થતો હોય છે, જેને પશ્ચિમના દેશોમાં 'વિન્ટર વોમિટિંગ બગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ વખતે વાઈરસના જીનોમ સ્ટ્રક્ચરમાં ફેરફાર થવાથી તે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ થાપ આપી રહ્યો છે. આ નવો વેરિએન્ટ એટલો શક્તિશાળી છે કે તે ખૂબ જ ઓછી માત્રામાં શરીરમાં પ્રવેશે તો પણ વ્યક્તિને બીમાર કરી શકે છે.
આ વાઈરસ કેવી રીતે ફેલાય છે?
વૈશ્વિક અહેવાલો અનુસાર, નોરોવાઈરસ અત્યંત ચેપી છે. તે મુખ્યત્વે નીચે મુજબ ફેલાય છે:
૧. દૂષિત ખોરાક અને પાણી: વાઈરસગ્રસ્ત પાણી કે ખોરાક લેવાથી.
૨. સંપર્ક: ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી અથવા તેણે વાપરેલી વસ્તુઓ અડકવાથી.
૩. સપાટી: દરવાજાના હેન્ડલ, ટેબલ કે અન્ય સપાટી પર આ વાઈરસ લાંબો સમય જીવિત રહી શકે છે. ત્યાં હાથ અડક્યા બાદ તે હાથ મોં કે નાક સુધી પહોંચે તો ચેપ લાગે છે.
મુખ્ય લક્ષણો: ક્યારે ચેતી જવું?
આ નવા સ્વરૂપના વાઈરસની અસર શરીર પર ૨૪ થી ૪૮ કલાકમાં દેખાવા લાગે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
 અચાનક અને સતત ઉલટી થવી.
 ગંભીર ડાયેરિયા (ઝાડા).
 પેટમાં સખત દુખાવો અને મરોડ ઉપડવી.
 હળવો તાવ અને માથાનો દુખાવો.
 શરીરમાં કળતર અને સ્નાયુઓમાં દુખાવો.
સૌથી મોટું જોખમ: ડીહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું)
ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ વાઈરસ જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે ઉલટી અને ઝાડાને કારણે તેમના શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારો (ઇલેક્ટ્રોલાઇટ્સ) ખૂબ ઝડપથી ઘટી જાય છે. જો સમયસર સારવાર ન મળે તો બ્લડપ્રેશર ઘટી શકે છે અને કિડની પર અસર થઈ શકે છે.
સારવાર અને દવા અંગે વિશેષ માહિતી
આરોગ્ય નિષ્ણાતો ખાસ ચેતવણી આપે છે કે:
 કોઈ ચોક્કસ દવા નથી: નોરોવાઈરસ એક વાઈરસ હોવાથી તેના પર કોઈ પણ એન્ટિબાયોટિક દવા અસર કરતી નથી. એટલે જાતે કોઈ એન્ટિબાયોટિક લેવી નહીં.
 માત્ર સપોર્ટીવ સારવાર: આનો મુખ્ય ઈલાજ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાનો છે. દર્દીને સતત ઓ.આર.એસ.નું પાણી, નાળિયેર પાણી કે લીંબુ શરબત આપવું પડે છે.
 આરામ: શરીરને પૂરતો આરામ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વાઈરસ સામે લડી શકે છે. સામાન્ય રીતે ૨-૩ દિવસમાં દર્દી સાજો થઈ જાય છે.
બચવા માટે શું કરવું? (સેનિટાઈઝર કામ નહીં આવે)
આ સૌથી મહત્વની બાબત છે. કોરોનામાં આપણે સેનિટાઈઝરનો ઉપયોગ શીખ્યા, પરંતુ નોરોવાઈરસ પર આલ્કોહોલ બેઝડ સેનિટાઈઝર ખાસ અસરકારક નથી.
 હાથ ધોવા: જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ પછી સાબુ અને પાણીથી ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી હાથ ઘસીને ધોવા અનિવાર્ય છે.
 ખોરાકમાં સાવચેતી: ફળો અને શાકભાજીને બરાબર ધોઈને જ ઉપયોગમાં લેવા. સી-ફૂડ (દરિયાઈ ખોરાક) બરાબર રાંધેલો હોવો જોઈએ.
 સફાઈ: જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેણે વાપરેલા કપડાં ગરમ પાણીમાં ધોવા અને સપાટીઓને બ્લીચ યુક્ત દ્રાવણથી સાફ કરવી.
અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓને પણ આ બાબતે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

 

(9:32 AM IST)