<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

એક નોકરી છોડવા અને બીજી નોકરીમાં જોડાવા વચ્‍ચે રજાઓ આવે તો તેને સર્વિસમાં બ્રેક ગણવામાં નહીં આવે

નોકરિયાત લોકો માટે મોટી ખુશખબરઃ EPFOએ કર્યુ મોટું એલાન : સતત ૧૨ મહિના સુધી સર્વિસ ન આપનારા અને જેમનું એવરેજ PF બેલેન્‍સ ૫૦,૦૦૦ રૂપિયા કરતા ઓછું છે તેવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાનો લાભ મળશે

નવી દિલ્‍હી તા.૧૯: EPFOમાં એકાઉન્‍ટ ધરાવતા કર્મચારીઓ માટે એક મહત્‍વનું અપડેટ સામે આવ્‍યું છે. જેમાં તે કર્મચારીઓના પરિવારોને મોટી રાહત મળશે જેમાં એક નોકરી છોડવા અને બીજી નોકરીમાં જોડાવા વચ્‍ચે રજાઓ આવે તો તેને સર્વિસમાં બ્રેક ગણવામાં નહીં આવે.

જે લોકોનું એકાઉન્‍ટ EPFOમાં હોય તેમના માટે એક મહત્‍વના સમાચાર છે. કેમ કે, કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન એટલે કે EPFOએ એક મહત્‍વપૂર્ણ જાણકારી આપી છે કે, તે કર્મચારીઓના પરિવારોને મોટી રાહત આપી શકે છે જેમાં એક નોકરી છોડવા અને બીજી નોકરીમાં જોડાવા વચ્‍ચે શનિવાર, રવિવાર કે જાહેર રજાઓ આવે તો તેને સર્વિસમાં બ્રેક  ગણવામાં નહીં આવે. આ નિયમ કર્મચારી ડિપોઝિટ લિક્‍ડ ઇન્‍શ્‍યોરન્‍સ (EDLI) યોજનામાં ડેથ ક્‍લેમ સાથે જોડાયેલ કેસોમાં લાગુ થશે.

આ અંગે EPFOએ જણાવ્‍યું કે, અનેક કિસ્‍સાઓમાં ખૂબ જ નાના અંતરને પણ બ્રેક માનવામાં આવે છે જેના લીધે EDLI નો સંપૂર્ણ લાભ નહતો મળી રહ્યો કે ક્‍લેમ રિજેક્‍ટ કરવામાં આવતા હતા. એક કિસ્‍સામાં તો એક કર્મચારીએ શુક્રવારે નોકરી છોડીને સોમવારે બીજી EPF-કવર કંપનીમાં જોડાયો હતો પરંતુ વચ્‍ચેના શનિવાર અને રવિવારને બ્રેક માનવામાં આવ્‍યો હતો. આથી કુલ ૧૨ મહિનાથી વધુ સર્વિસ હોવા છતાં પરિવારને EDLI લાભો નહતા મળ્‍યા. આ પ્રકારની વિસંગતતાઓને દૂર કરવા માટે EPFOએ આ સ્‍પષ્ટતા જાહેર કરી છે.

નવી ગાઇડલાઇન મુજબ જો બે નોકરીઓ વચ્‍ચેનું અંતર માત્ર વીક ઓફ, નેશનલ રજાઓ, રાજપત્રિત રજાઓ, રાજ્‍યની રજાઓ કે પ્રતિબંધિત રજાઓને કારણે હોય તો તેને કન્‍ટિન્‍યુ સર્વિસ ગણવામાં આવશે. મતલબ કે, જો કોઈ કર્મચારી EPF-કવરેડ કંપની છોડી દે અને રજાઓ પછી તરત જ બીજી કંપનીમાં જોડાય તો તેમની કન્‍ટિન્‍યુ સર્વિસ ગણવામાં આવશે. મતલબ કે, શુક્રવારે નોકરી છોડીને સોમવારે નવી નોકરીમાં જોડાવાથી EDLI એલિજાિબિલિટી અસર નહીં થાય.

આ સિવાય EPFO એ EDLI સંબંધિત બીજા ફેરફારો પણ લાગુ કર્યા છે. સતત ૧૨ મહિના સુધી સર્વિસ ન આપનારા અને જેમનું એવરેજ PF બેલેન્‍સ ૫૦,૦૦૦ રૂપિયા કરતા ઓછું છે તેવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાનો લાભ મળશે. અને જો કોઈ કર્મચારી તેમના છેલ્‍લા યોગદાનના ૬ મહિનાની અંદર મૃત્‍યુ પામે અને હજુ પણ કંપનીના પેરોલ પર હોય તો તેમના પરિવારને EDLI લાભો મળશે. EPFOએ તે પણ સ્‍પષ્ટતા કરી છે કે વિવિધ EPF-કવરેડ સંસ્‍થાઓમાં કામ કરતા કર્મચારીઓ વચ્‍ચે ૬૦ દિવસ સુધીના અંતરને પણ કન્‍ટિન્‍યુ સર્વિસ ગણાશે.

(10:18 AM IST)