<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

નવા વર્ષથી ચારધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશેઃ ગ્રીન સેસ વસુલાશે

૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી રાજ્‍યમાં પ્રવેશતા અન્‍ય રાજ્‍યોના વાહનોએ રૂપિયા ૮૦ થી રૂપિયા ૭૦૦ સુધીનો ગ્રીન સેસ ચૂકવવો પડશે

દહેરાદૂન  તા.૧૯: ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં ૧ જાન્‍યુઆરી ૨૦૨૬ થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ  કરવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારનું કહેવું છે આ પગલું પર્યાવરણના સંરક્ષણ અને મહેસૂલી આવક વધારવા માટે લેવામાં આવ્‍યું છે. જેની આડકતરી અસર પ્રવાસીઓ અને શ્રધ્‍ધાળુઓ પર પડશે.

આ અંગે ઉત્તરાખંડ સરકારે જણાવ્‍યું છે કે, ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી રાજ્‍યમાં પ્રવેશતા અન્‍ય રાજ્‍યોના વાહનોએ રૂપિયા ૮૦ થી રૂપિયા ૭૦૦ સુધીનો ગ્રીન સેસ ચૂકવવો પડશે. આ અંગે મુખ્‍યમંત્રી પુષ્‍કર સિહ ધામીએ પરિવહન વિભાગને આ સિસ્‍ટમ ટૂંક સમયમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્‍યો છે. તેમણે છેલ્‍લા બે વર્ષમાં આ યોજનાને યોગ્‍ય રીતે લાગુ કરવામાં નિષ્‍ફળતા બદલ અધિકારીઓને પણ ઠપકો પણ આપ્‍યો હતો.

કયા વાહન પર કેટલો ગ્રીન સેસ લાગુ પડશે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. જેમાં (૧) ભારે વાહનોઃ એક્‍સલ લોડના આધારે રૂપિયા ૪૫૦ થી રૂપિયા ૭૦૦ (૨ )ભારે બાંધકામ સાધનોના વાહનોઃ રૂપિયા ૨૫૦, (૩) ૭.૫ થી ૧૮.૫ ટન વજનના વાહનોઃ રૂપિયા ૨૫૦, (૪)૩ થી ૭.૫ ટન વજનના હળવા માલસામાનના વાહનોઃ રૂપિયા૧૨૦, (૫) ત્રણ ટન સુધીની ડિલિવરી વાનઃ રૂપિયા ૮૦, (૬) ૧૨ થી વધુ સીટ ધરાવતી બસોઃ રૂપિયા ૧૪૦, (૭)

મોટરકેબ, મેક્‍સીકેબ અને પેસેન્‍જર કારના રૂપિયા ૮૦ વસુલવામાં આવશે. સંપૂર્ણપણે ડિજિટલ રીતે ગ્રીન સેસ વસૂલવાની યોજના

આ અંગે ઉત્તરાખંડ સરકાર સરકાર ફાસ્‍ટટેગ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે ગ્રીન સેસ વસૂલવાની યોજના ધરાવે છે. જેની માટે રાજ્‍યની સરહદો પર ૧૬ સ્‍થળોએ ઓટોમેટિક નંબર પ્‍લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્‍યા છે. જો કોઈ વાહનમાં ફાસ્‍ટટેગ નહી હોય અથવા બેલેન્‍સ ખતમ થઈ જાય તો વાહન માલિકને નોટિસ મોકલવામાં આવશે. તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં સેસ ચૂકવવામાં નિષ્‍ફળતાના પરિણામે ચલણ મોકલવામાં આવશે.

તેમજ આ ફી એક દિવસ માટે માન્‍ય રહેશે. જોકે, વારંવાર આવતા વાહન માલિકોને રાહત આપવામાં આવી છે. જેમાં ૨૦ ગણી ફી ભરીને ત્રણ મહિના માટે મુક્‍તિ મેળવી શકાય છે અને ૬૦ ગણી ફી ભરીને એક વર્ષ માટે મુક્‍તિ મેળવી શકાય છે.

(10:35 AM IST)