<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ઈન્‍કમટેક્‍સમાં અપીલના કેસનો ખડકલોઃ ૮૮.૭૦ કરોડના ૨૫.૬૪ લાખ કેસ પેન્‍ડિંગ

કેસના નિકાલની ધીમી ગતિથી કરદાતાની પરેશાનીમાં સતત વધારો

નવી દિલ્‍હી તા.૧૯: ઇન્‍કમટેક્‍સમાં કરદાતાના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નહીં હોવાના કારણે અપીલના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કેસનો નિકાલ નહીં થવાના કારણે છેલ્‍લા પાંચ વર્ષમાં ૨૫.૬૪ લાખ કેસનો નિકાલ કરવાનો હજુ બાકી છે. આ કેસનો નિકાલ નહીં થવાના લીધે ૮૮.૭૦ કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકતી નથી.

ઇન્‍કમટેક્‍સ વિભાગના અધિકારીઓ દ્વારા સ્‍કૂટિની દરમિયાન કરદાતાએ ટેક્‍સ ઓછો ભર્યો હોય તેવા કિસ્‍સામાં રિકવરી માટે નોટિસ આપતા હોય છે અથવા તો કોઈ કરદાતાએ ઓછો ટેક્‍સ ભર્યો હોય તો બાકી રહેલો ટેક્‍સ ભરવા માટે પણ નોટિસ આપવામાં આવતી હોય છે. આ રીતે આઇટી અધિકારીઓ દ્વારા કરદાતાઓ પાસેથી ટેક્‍સ વસૂલાત માટે ફટકારેલી નોટિસમાં કરદાતા ટેક્‍સ ભરવા માટે તૈયાર નહીં હોય તેવા કિસ્‍સામાં અપીલમાં કેસ દાખલ કરવામાં આવતો હોય છે. અપીલમાં કેસ દાખલ થયા પછી અધિકારી દ્વારા કરદાતા અને આઈટી અધિકારીઓ વચ્‍ચે પુરાવાના આધારે સુનાવણી કરતા હોય છે. જોકે છેલ્‍લા ચારેક વર્ષથી આઈટીમાં ફેસલેસ સિસ્‍ટમ લાગુ કરવામાં આવી હોવાના કારણે ઓનલાઈન જ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નહીં હોવાના લીધે દર વર્ષે અપીલના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેના પરિણામે કરદાતા ભારે પરેશાની વેઠી રહ્યા છે, કારણ કે તેઓના કેસનો નિકાલ નહીં થવાના કારણે તેઓએ કેસને લગતા પુરાવા રાખવાના હોય છે. આ ઉપરાંત અપીલ કરતી વખતે જે રકમ ભરપાઇ કરી છે તે પણ છૂટી થઈ શકતી નથી. આ સાથે આઈટી અપીલમાં કેસનો નિકાલ કરવામાં આવ્‍યા બાદ ટ્રિબ્‍યુનલમાં તે માટેના કેસ કરવામાં આવતા હોય છે. તેમાં પણ કરદાતાને પૂરતો ન્‍યાય નહીં મળે તો હાઈકોર્ટમાં અને ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટમાં તેને લગતી અપીલ કરવામાં આવતી હોય છે. આવા કેસની સુનાવણી ઝડપથી થતી નહીં હોવાના કારણે છેલ્‍લા પાંચ વર્ષમાં ઈન્‍કમટેક્‍સ વિભાગે રિકવરી કરનારા થતા ૮૮.૭૦ કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકી નથી

(10:52 AM IST)