<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

કેદારનાથમાં ડિસેમ્‍બરના અંતે પણ બરફ ‘ગાયબ': થીજવતી ઠંડી વચ્‍ચે વિકાસકાર્યોની રફ્‌તાર તેજ

સામાન્‍ય રીતે ૫ ફૂટ બરફની ચાદરમાં પોઢી જતું બાબા કેદારનું ધામ આ વર્ષે બરફ વગર દેખાતા વૈજ્ઞાનિકો ચિંતિત

રુદ્રપ્રયાગ, તા.૧૯: હિમાલયના ખોળે બિરાજમાન બાબા કેદારનાથ ધામમાં આ વર્ષે કુદરતનો એક એવો નજારો જોવા મળી રહ્યો છે જેણે પર્યાવરણવિદો અને સ્‍થાનિકોને આヘર્યમાં મૂકી દીધા છે. ડિસેમ્‍બરનો અડધો મહિનો વીતી ગયો હોવા છતાં, કેદારપુરી હજુ પણ બરફહીન છે. જે ધામ આ દિવસોમાં પાંચ ફૂટથી વધુ જાડા બરફના થર નીચે દબાયેલું રહેતું હતું, ત્‍યાં અત્‍યારે માત્ર સૂકા પહાડો અને ખડકો દેખાઈ રહ્યા છે. છેલ્લે ૨૦ નવેમ્‍બરે હળવી બરફવર્ષા થઈ હતી, ત્‍યારબાદ આકાશ સાફ છે. બરફની ગેરહાજરીને કારણે ધામમાં દ્રશ્‍યો બદલાયા છે, પરંતુ હવામાં વ્‍યાપેલી આંધળી ઠંડી હાડ થીજવી રહી છે.

બરફવર્ષા ન થવાને કારણે એક તરફ પર્યાવરણીય ચિંતા વધી છે, તો બીજી તરફ તેનો ફાયદો કેદારનાથના પુનઃનિર્માણ કાર્યને મળી રહ્યો છે. સામાન્‍ય રીતે ભારે હિમવર્ષાને કારણે આ સમયે તમામ કામકાજ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે બરફ ન હોવાથી ૧૫૦ જેટલા શ્રમિકો કાતિલ ઠંડીમાં પણ કામ કરી રહ્યા છે. રાત્રિનું તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને સૂર્યના દર્શન પણ માત્ર થોડા કલાકો માટે જ થાય છે. આ વિષમ પરિસ્‍થિતિઓમાં પણ કામદારો આગામી યાત્રા સીઝન માટે ધામને સજ્જ કરી રહ્યા છે, જે એક મિશાલ સમાન છે.

વિકાસ કાર્યોની વાત કરીએ તો, અત્‍યારે બીજા તબક્કાનું પુનઃનિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. થીજવતી ઠંડીને કારણે કોંક્રીટનું કામ મુશ્‍કેલ હોવા છતાં, વીજળી અને પીવાના પાણીની લાઈનોને ભૂગર્ભ (અંડરગ્રાઉન્‍ડ) કરવાનું કામ અવિરત ચાલુ છે. ૨૦૧૩ની ભીષણ આપત્તિમાં ક્ષતિગ્રસ્‍ત થયેલા ઐતિહાસિક માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યો છે. લગભગ ૮૦ જેટલા કારીગરો રેલિંગ અને રસ્‍તાના સુધારણામાં વ્‍યસ્‍ત છે. આ માર્ગ તૈયાર થવાથી ભવિષ્‍યમાં ભક્‍તોને ભીડભાડ વગરનો એક વૈકલ્‍પિક અને સુરક્ષિત રસ્‍તો મળશે, જે યાત્રાને વધુ સુગમ બનાવશે.

 

(2:43 PM IST)