<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ડાયાબિટીસનો રાક્ષસ ધુણી રહયો છેઃ ૯ સેકન્‍ડે ૧નું મોત

ઇન્‍ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ચોંકાવનારા અહેવાલ મુજબ આગામી ૨૫ વર્ષમાં ભારતમાં દર્દીઓની સંખ્‍યા ૭૫%નો વધારો થશેઃ વિશ્વની ૧૩% વસ્‍તી આ સાયલન્‍ટ કિલરની ચપેટમાં આવવાની ભીતિ : ચીનમાં ડાયાબિટીસના દર્દીઓની સૌથી વધુ સંખ્‍યાઃ ભારત બીજા, અમેરિકા ત્રીજા અને પાકિસ્‍તાન ચોથા ક્રમેઃ ૨૦૦૦ ની સરખામણીએ લગભગ પાંચ ગણો વધારે હશે, જે દેશની આરોગ્‍ય વ્‍યવસ્‍થા માટે એક મોટો પડકાર

નવી દિલ્‍હી, તા.૧૯: વિશ્વભરમાં ડાયાબિટીસ હવે માત્ર એક બીમારી નહીં પણ એક ગંભીર રોગચાળો બની રહ્યો છે. ઇન્‍ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ૨૦૨૫ ના એટલાસ મુજબ, વર્ષ ૨૦૨૪ માં આ બીમારી એટલી ઘાતક સાબિત થઈ છે કે દર નવ સેકન્‍ડે એક વ્‍યક્‍તિએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે. હાલમાં વિશ્વના ૫૮૯ મિલિયન લોકો આ મીઠા ઝેરથી પીડાઈ રહ્યા છે, અને જે રીતે જીવનશૈલી બદલાઈ રહી છે તે જોતા ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૮૫૩ મિલિયનને પાર કરી જશે. આર્થિક રીતે પણ આ બીમારી વિશ્વ પર બોજ બની રહી છે, કારણ કે છેલ્લા ૧૭ વર્ષમાં ડાયાબિટીસ પાછળ થતા ખર્ચમાં ૩૩૮ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.

ભારત માટે આ અહેવાલ લાલબત્તી સમાન છે, કારણ કે વિશ્વમાં ડાયાબિટીસના દર સાત દર્દીઓમાંથી એક ભારતીય છે. હાલમાં ભારત આ યાદીમાં ચીન પછી બીજા ક્રમે છે, જ્‍યાં આશરે ૯ કરોડ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે. દક્ષિણ-પૂર્વ એશિયાના કુલ દર્દીઓમાં ભારતનો હિસ્‍સો ૮૦% થી પણ વધુ છે. જો સાવચેતી રાખવામાં નહીં આવે, તો ૨૦૫૦ સુધીમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્‍યા ૧૫૬ મિલિયન સુધી પહોંચી જશે. આ આંકડો વર્ષ ૨૦૦૦ ની સરખામણીએ લગભગ પાંચ ગણો વધારે હશે, જે દેશની આરોગ્‍ય વ્‍યવસ્‍થા માટે એક મોટો પડકાર બની રહેશે.

પ્રાદેશિક દ્રષ્ટિએ જોઈએ તો, ચીન સહિતનો પヘમિ પેસિફિક વિસ્‍તાર ૨૧૫ મિલિયન દર્દીઓ સાથે મોખરે છે, જ્‍યારે પાકિસ્‍તાન પણ આ યાદીમાં ઝડપથી ઉપર આવી રહ્યું છે. હાલમાં ચોથા ક્રમે રહેલું પાકિસ્‍તાન ૨૦૫૦ સુધીમાં અમેરિકાને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચી જવાની શકયતા છે. આફ્રિકામાં હાલમાં સૌથી ઓછા ૨૫ મિલિયન કેસ છે, પરંતુ એશિયાઈ દેશોમાં ખાણીપીણીની બદલાતી આદતો અને શારીરિક શ્રમનો અભાવ આ બીમારીને વધુ વેગ આપી રહ્યો છે. ડાયાબિટીસ હવે માત્ર વડીલો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ યુવા પેઢી પણ તેનો શિકાર બની રહી છે.નિષ્‍ણાતોના મતે, આ આંકડાઓ માત્ર ચેતવણી નથી પણ જાગળત થવાનો સમય છે. ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસ્‍તીના ૧૩% લોકો આ રોગથી પ્રભાવિત હશે, જેનો અર્થ છે કે દરેક ઘરમાં ડાયાબિટીસનો ખતરો મંડરાશે. ભારતે ડાયાબિટીસના ગઢ બનતા અટકવું હોય તો અત્‍યારથી જ જનજાગૃતિઅને આરોગ્‍ય નીતિઓમાં મોટા ફેરફારો કરવા અનિવાર્ય છે. સંતુલિત આહાર અને નિયમિત કસરત જ આ મીઠી મહામારી સામે લડવાનું એકમાત્ર હથિયાર સાબિત થઈ શકે તેમ છે. 

(3:45 PM IST)