<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

કફ સિરપ કૌભાંડમાં 'સમાજવાદી' કનેક્શન: શૈલી ટ્રેડર્સના દસ્તાવેજોએ ખળભળાટ મચાવ્યો

નશાના કાળા કારોબારમાં સપા નેતાઓના ભાઈઓ અને નજીકના સાથીઓની સંડોવણીનો પર્દાફાશ : ડ્રગ લાયસન્સથી લઈને GST પેપર્સ સુધી ફેલાયેલું નેટવર્ક: તપાસ એજન્સીઓના રડાર પર અનેક દિગ્ગજો

લખનૌ: ઉત્તર પ્રદેશમાં નશાના કાળા કારોબાર અને કફ સિરપ કૌભાંડમાં હવે રાજકીય ભૂકંપ આવ્યો છે. તપાસ એજન્સીઓએ શૈલી ટ્રેડર્સ નામની કંપનીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરતા તેમાં સમાજવાદી પાર્ટી (SP) ના દિગ્ગજ નેતાઓના સીધા કનેક્શન બહાર આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે કોડીન યુક્ત કફ સિરપની ગેરકાયદેસર હેરાફેરી કરતી આ કંપનીના સત્તાવાર ડ્રગ લાયસન્સ અને GST રજીસ્ટ્રેશનમાં જે મોબાઈલ નંબરો મળી આવ્યા છે, તે સપા લોહિયા વાહિનીના રાષ્ટ્રીય સચિવ રવિ યાદવના ભાઈ મિલિંદ યાદવના હોવાનું ખૂલ્યું છે. આ ખુલાસા બાદ હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નશાની આ દાણચોરી માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ તેને રાજકીય છત્રછાયા પણ મળી રહી હતી.

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે શૈલી ટ્રેડર્સ ભલે કાગળ પર ભોલા પ્રસાદના નામે નોંધાયેલી હોય, પરંતુ તેનો અસલી દોર સંચાલન સપાના સક્રિય કાર્યકર્તાઓ અને તેમના સગા સંબંધીઓના હાથમાં હતો. શુભમ જયસ્વાલના પિતાની કંપનીના રેકોર્ડમાં પણ સપા નેતાઓના નંબર મળી આવતા એજન્સીઓ આશ્ચર્યચકિત છે. એવો આરોપ છે કે મિલિંદ યાદવ આ સિન્ડિકેટનો મુખ્ય કડી હતો, જે રાજકીય વગનો ઉપયોગ કરીને પોલીસ અને વહીવટીતંત્રની નજરથી બચીને કોડીન સિરપના જથ્થાને બજારમાં ઠાલવતો હતો. આલોક સિંહ બાદ હવે યાદવ પરિવારના સભ્યોના નામ ખુલતા વિપક્ષી પાર્ટી ઘેરામાં આવી ગઈ છે.

હાલમાં તપાસ એજન્સીઓ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કૌભાંડના નાણાંનો હિસ્સો છેક ઉપર સુધી પહોંચતો હતો કે કેમ. આ કૌભાંડ માત્ર ઉત્તર પ્રદેશ પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા અન્ય રાજ્યોની સરહદો સુધી પણ ફેલાયેલા હોવાની આશંકા છે. "શૈલી ટ્રેડર્સ" દ્વારા જે રીતે દસ્તાવેજોમાં ચેડાં કરવામાં આવ્યા છે અને બેનામી રીતે વ્યવહારો થયા છે, તે જોતા આગામી દિવસોમાં સપાના કેટલાક વરિષ્ઠ નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. એજન્સીઓ હવે એ દિશામાં આગળ વધી રહી છે કે આ નેટવર્કનો અસલી માસ્ટરમાઈન્ડ કોણ છે.

(6:19 PM IST)