હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તાઇવાનના રેલ્વે સ્ટેશન પર લોહિયાળ આતંક: સ્મોક ગ્રેનેડ અને છરીના હુમલાથી તાઈવાન ધ્રુજી ઉઠ્યું!
ભીડભાડવાળા સબવે સ્ટેશન પર માથાભારે હુમલાખોરે મચાવ્યો મોતનું આતંક : ગ્રેનેડ ફેંકી ધુમાડો કર્યા બાદ નિર્દોષ મુસાફરો પર અંધાધૂંધ છરીબાજી: 9 લોકો લોહીલુહાણ થતા તાઈવાનમાં હાઈ-એલર્ટ

તાઇપેઇ : તાઈવાનની સુરક્ષિત ગણાતી રાજધાની તાઈપેઈમાં શુક્રવારે સાંજે કાળઝાળ દ્રશ્યો સર્જાયા હતા. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા તાઈપેઈ મુખ્ય સબવે સ્ટેશન પર એક સશસ્ત્ર હુમલાખોરે પૂર્વઆયોજિત કાવતરા હેઠળ હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્ટેશનમાં પ્રવેશતા જ હુમલાખોરે સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા, જેના કારણે સેકન્ડોમાં જ આખા પ્લેટફોર્મ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ધુમાડાને કારણે મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આ શખ્સે છરી કાઢીને આડેધડ ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. આ આચનક થયેલા હુમલામાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સ્ટેશનમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક મીડિયા અને EBC ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરની ભયાનકતા કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલાખોરે પહેલા સબવે ટ્રેનમાં મુસાફરી કરી અને સ્ટેશન આવતા જ બહાર નીકળી રસ્તા પર પણ સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે નજીકના ડિપાર્ટમેન્ટલ સ્ટોર તરફ દોડ્યા હતા, પરંતુ આ ઘાતકી હુમલાખોર ત્યાં પણ તેમની પાછળ ગયો હતો અને સ્ટોરની અંદર જઈને પણ હુમલા ચાલુ રાખ્યા હતા. ઘટનાસ્થળેથી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
આ ઘટના બાદ તાઈપેઈ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સબવે સ્ટેશનને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. હજુ સુધી પોલીસે હુમલાખોરની ધરપકડ કે તેના હેતુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ એક સુનિયોજિત હુમલો હોવાનું દેખાઈ રહ્યું છે. આ હુમલાએ તાઈવાનના જાહેર પરિવહન સ્થળોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હોસ્પિટલમાં દાખલ ઘાયલોમાં કેટલાકની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે, જ્યારે સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
