<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

સંભલ સામૂહિક બળાત્કાર કાંડ: 7 વર્ષના લાંબા ઈંતજાર બાદ ન્યાય : ચાર નરાધમોને આજીવન કેદ

માસૂમ બાળકીની નજર સામે માતા પર ગુજાર્યો હતો અત્યાચાર : મદદ માંગવા ફોન કર્યો તો પાછા આવીને હવનકુંડમાં જીવતી સળગાવી દીધી: કોર્ટે રૂ. 4 લાખના દંડ સાથે પાપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

ચંદૌસી : સંભલ જિલ્લાના રાજપુરામાં ૨૦૧૮માં બનેલી એ કાળઝાળ ઘટનાએ સમગ્ર દેશની માનવતાને હચમચાવી દીધી હતી, જેનો અંતે સાત વર્ષ બાદ શુક્રવારે ન્યાયિક અંજામ આવ્યો છે. સ્પેશિયલ જજ અવધેશ કુમાર સિંહે આ જઘન્ય અપરાધના ચાર દોષિતો—આરામ સિંહ, મહાવીર, ગુલ્લુ અને ભોના—ને કડક શબ્દોમાં ફટકાર લગાવી આજીવન કેદની સજા ફટકારી છે. ૧૩ જુલાઈ ૨૦૧૮ની એ ગોઝારી રાત્રે, જ્યારે પીડિતાનો પતિ કામ અર્થે બહાર હતો, ત્યારે આ નરાધમોએ ઘરમાં ઘૂસી સાત વર્ષની બાળકીની નજર સામે તેની માતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ હૃદયદ્રાવક કિસ્સામાં કોર્ટે દરેક દોષિત પર ૧ લાખ રૂપિયાનો દંડ પણ લાદ્યો છે.

આ કેસની સૌથી કંપારી છૂટી જાય તેવી વિગત એ હતી કે, પીડિતાએ હિંમત હાર્યા વગર ૧૧૨ અને તેના પતિને ફોન કરી મદદ માંગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક ન થતા તેણે પિતરાઈ ભાઈને જાણ કરી હતી, પણ આ વાતની ખબર પડતા જ આરોપીઓ વધુ હિંસક બન્યા હતા. મદદ પહોંચે તે પહેલાં જ નરાધમોએ પાછા ફરી પીડિતાને ખેંચીને મંદિરના હવનકુંડની ઝૂંપડીમાં પુરી દીધી અને જીવતી સળગાવી દીધી હતી. જ્યારે પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે ઝૂંપડી રાખ થઈ ગઈ હતી અને માસૂમ બાળકી રડતી રડતી સૂઈ ગઈ હતી. આ ક્રૂરતાએ સાબિત કર્યું હતું કે આરોપીઓમાં કાયદાનો જરાય ડર રહ્યો નહોતો.

ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી વકીલે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને મજબૂતીથી રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. આ કેસમાં એક સગીર આરોપી પણ સામેલ છે, જેની સુનાવણી હજુ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહી છે. સજા સંભળાવ્યા બાદ ચારેય દોષિતોના ચહેરા પર છવાયેલી ફિક્કાશ વચ્ચે પોલીસે તેમને તુરંત જેલમાં રવાના કર્યા હતા. પીડિતાના પરિવારે આ નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું છે કે મોડો પણ ન્યાય મળતા પીડિતાના આત્માને શાંતિ મળશે, પરંતુ એ સાત વર્ષની દીકરીના મન પર જે ઘા પડ્યા છે તે કદાચ ક્યારેય રુઝાશે નહીં.

(7:30 PM IST)