હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારના 'ચઢાવ-ઉતાર' છતાં વચ્ચે રોકાણકારો હાર્યા નહી : 6 મહિનામાં ઠાલવ્યા ₹9.7 લાખ કરોડ : યુપી ફરી મેદાન મારી ગયું
વૈશ્વિક અસ્થિરતા અને FPI ના વેચાણ છતાં ભારતીય બજારમાં રોકાણનો રેકોર્ડબ્રેક પ્રવાહ: નવા રોકાણકારોમાં યુવા પેઢી અને મહિલાઓનો દબદબો : ઉત્તર પ્રદેશ સતત 32મા મહિને નવા રજિસ્ટ્રેશનમાં દેશમાં અવ્વલ

નવી દિલ્હી: વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને અમેરિકી ટેરિફના ફફડાટ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં રોકાણકારોનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રોકાણકારોએ ઇક્વિટી અને ડેટ મારફતે અધધ ₹9.7 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 13 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને IPO માર્કેટમાં તેજી રહી હતી, જેમાં 122 કંપનીઓએ બજારમાં પ્રવેશ કરીને ₹2 લાખ કરોડ એકત્ર કર્યા હતા. વિદેશી રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાલી કરવામાં આવી હોવા છતાં, સ્થાનિક રોકાણકારો અને મજબૂત SIP પ્રવાહને કારણે ભારતીય બજારે પોતાની આંતરિક સ્થિરતા જાળવી રાખી છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના તાજેતરના ડેટા મુજબ, ભારતમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા હવે 120 મિલિયનને વટાવી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, નવા રોકાણકારોમાં 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોનો હિસ્સો 55.6 ટકા જેટલો છે, જે દર્શાવે છે કે ભારતની યુવા પેઢી હવે બચત કરતા રોકાણ તરફ વધુ વળી રહી છે. આ ઉપરાંત, મહિલા રોકાણકારોની ભાગીદારી પણ વધીને 25 ટકા થઈ ગઈ છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો, ઉત્તર પ્રદેશ સતત 32મા મહિને નવા રોકાણકારો ઉમેરવામાં અગ્રેસર રહ્યું છે, જે એક સમયના પછાત ગણાતા રાજ્યોમાં વધતી જતી આર્થિક જાગૃતિનો પુરાવો છે.
બજારમાં અસ્થિરતા હોવા છતાં, નિફ્ટી 50 એ આ વર્ષે અત્યાર સુધીમાં 10.2 ટકાનો સુધારો નોંધાવ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં યુએસ ટેરિફ અને ડોલરના વધતા મૂલ્યને કારણે બજાર થોડું સુસ્ત રહ્યું હતું, પરંતુ હોસ્પિટલ, સિમેન્ટ, પોર્ટ્સ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં કંપનીઓએ બે અંકમાં નફો કરી રોકાણકારોની આશા જીવંત રાખી છે. એક્સચેન્જના આંકડા સૂચવે છે કે ભારતીય બજાર હવે વિદેશી મૂડી પર સંપૂર્ણ નિર્ભર નથી, પરંતુ સ્થાનિક રિટેલ રોકાણકારો શેરબજારની નવી કરોડરજ્જુ બનીને ઉભરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
