<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મધ્ય પ્રદેશના ૬ બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ

બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહીઃપ્રાથમિક તપાસના આધારે હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેક્નિશિયનને બરતરફ કરવામાં આવ્યા છે

ભોપાલ : મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ૬ બાળકોના HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસના આધારે હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેક્નિશિયનને બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુરૃવારે કરવામાં આવી હતી.

અહેવાલ અનુસાર, વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના લોક સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ વિભાગે ૧૬ ડિસેમ્બરે આ મામલે તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી. સમિતિની શરૃઆતી રિપોર્ટમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રક્રિયામાં ગંભીર બેદરકારીના સંકેત મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. જેમાં બ્લડ બેક્નના પ્રભારી ડૉ. દેવેન્દ્ર પટેલ અને લેબ ટેક્નિશિયન રામ ભાઈ ત્રિપાઠી તથા નંદલાલ પાંડેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય, જિલ્લા હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન મનોજ શુક્લાને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમની પાસે લેખિતમાં સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જો આ સિવિલ સર્જનનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ મામલાને અત્યંત ગંભીર જણાવતા કહ્યું કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

એવું કહેવાય છે કે, ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના છ બાળકો અલગ-અલગ સમયે જિલ્લા હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ HIV પોઝિટિવ થયા હતા. આ કેસ જાન્યુઆરીથી મે મહિનાની વચ્ચે સામે આવ્યા છે. જેમાંથી અમુક બાળકોને સતના અને જબલપુર સહિત અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવ્યું હતું.

આ કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, એક બાળકના માતા-પિતા પણ HIV સંક્રમિત થયા છે. જોકે, અધિકારી એ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, તમામ બાળકોની સારવાર રાષ્ટ્રીય HIV ઉપચાર પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી રહ્યું છે. સરકારે આશ્વાસન આપ્યું કે, તપાસ પૂરી થયા બાદ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે બ્લડ બેક્ન અને ટ્રાન્સફ્યુઝન સિસ્ટમની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે.

 

(7:36 PM IST)