હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ડંકી રૂટ'ના કાળાબજાર પર ED ની સર્જિકલ સ્ટ્રાઈક: અમેરિકા મોકલતી ગેંગ પાસેથી ₹4.62 કરોડની રોકડ અને ₹19 કરોડનું સોનું-ચાંદી જપ્ત
દિલ્હી-પંજાબ સહિત 13 સ્થળોએ દરોડામાં ટ્રાવેલ એજન્ટોનું પાપ ઉઘાડું પડ્યું; ગેરકાયદેસર ઘૂસણખોરી માટે ખેડૂતોની જમીનો ગીરો રાખતા એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ

જલંધર : અમેરિકા મોકલવાના લાલચ આપીને ભોળા નાગરિકોને મોતના મુખમાં ધકેલતા અને કરોડોની કમાણી કરતા 'ડંકી રૂટ' (Donkey Route) ના એજન્ટો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તૂટી પડ્યું છે. ગુરુવારે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં કુલ 13 સ્થળોએ હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં તપાસ એજન્સીએ ગેરકાયદેસર રીતે મેક્સિકો વાટે અમેરિકા મોકલતી ગેંગના મૂળિયા હચમચાવી દીધા છે. શુક્રવારે આ તપાસના ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હીના એજન્ટના અડ્ડામાંથી મળ્યો ખજાનો
દરોડા દરમિયાન સૌથી મોટી રિકવરી દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટના પરિસરમાંથી થઈ છે. ED ને અહીંથી ₹4.62 કરોડની રોકડ મળી આવી છે. આટલું જ નહીં, એજન્ટે કમાણીને છુપાવવા માટે મોટા પાયે સોનું અને ચાંદી ખરીદ્યું હતું. એજન્સીએ ત્યાંથી 313 કિલો ચાંદી અને 6 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹19.13 કરોડ આંકવામાં આવી રહી છે.
જમીનના દસ્તાવેજો ગીરો રાખી ચાલતો ખેલ
હરિયાણાના એક મોટા એજન્ટના ઠેકાણેથી મળેલા દસ્તાવેજોએ તપાસની દિશા બદલી નાખી છે. ખુલાસો થયો છે કે આ એજન્ટો લોકો પાસેથી અમેરિકા મોકલવાના નામે મોટી રકમ વસૂલતા હતા. જો કોઈ પાસે રોકડા ના હોય તો ગેરંટી તરીકે લોકોની મિલકત અને જમીનના અસલી દસ્તાવેજો પોતાની પાસે રાખતા હતા. જ્યાં સુધી પૈસા ના ચૂકવાય ત્યાં સુધી આ દસ્તાવેજો 'કોલેટરલ' તરીકે કબજે રાખવામાં આવતા હતા.
આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનું જાળ
ED ને દરોડા દરમિયાન અનેક મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવા મળ્યા છે, જેમાં મેક્સિકો અને અમેરિકાના અન્ય એજન્ટો સાથેની ચેટ અને હવાલા વ્યવહારોની વિગતો છે. એજન્સી હવે આ આંતરરાષ્ટ્રીય રેકેટના સ્તરો ખોલવા માટે જપ્ત કરાયેલ સામગ્રીનું ફોરેન્સિક વિશ્લેષણ કરી રહી છે. આ ઓપરેશન બાદ ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
