હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરહદ પર સંગ્રામ: બાંગ્લાદેશના 'ભારત વિરોધી' ઝેર સામે ત્રિપુરામાં વિરોધ : "અમને ઉશ્કેરશો નહીં" ના નારા સાથે દેખાવો શરૂ
સેવન સિસ્ટર્સને અલગ કરવાની ધમકી આપનારા કટ્ટરપંથીઓને ભારતીય યુવાનોનો લલકાર: અગરતલામાં બાંગ્લાદેશી દૂતાવાસ ઘેરાયો : પ્રદ્યોત દેબબર્માએ બાંગ્લાદેશને 'મિની પાકિસ્તાન' ગણાવી આરપારની લડાઈના આપ્યા સંકેત

અગરતલા: બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી ભારત વિરોધી હિંસાના પડઘા હવે ભારતીય સરહદની અંદર પણ પડવા લાગ્યા છે. ત્રિપુરાની રાજધાની અગરતલામાં શુક્રવારે ત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ જ્યારે ટિપ્રા મોથા પાર્ટીની યુવા પાંખ (YTF) એ બાંગ્લાદેશ સહાયક હાઇ કમિશનનો ઘેરાવો કર્યો. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના કટ્ટરપંથી નેતાઓ દ્વારા ઉત્તર-પૂર્વ ભારત (સેવન સિસ્ટર્સ) ને અલગ કરવાની અપાયેલી ધમકીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો. હાથમાં ત્રિરંગા અને બેનરો સાથે ઉમટેલા યુવાનોએ બાંગ્લાદેશને યાદ અપાવ્યું હતું કે જે ભારતે 13 દિવસમાં તેમને પાકિસ્તાનના જુલમથી આઝાદી અપાવી હતી, તે પોતાની અખંડિતતાની રક્ષા કરતા પણ સારી રીતે જાણે છે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલા 'ભારત વિરોધી અભિયાન' અને ચિત્તાગોંગમાં ભારતીય આવાસ પર થયેલા પથ્થરમારાના વિરોધમાં ભારતીય પક્ષો હવે આક્રમક મૂડમાં છે. ટિપ્રા મોથાના વડા પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતા બાંગ્લાદેશને 'મિની પાકિસ્તાન' ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર-પૂર્વના રાજકીય પક્ષો હવે ચૂપ નહીં બેસે અને આ લડાઈ દેશની ભૂમિ બચાવવા માટેની છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી નેતા હસનત અબ્દુલ્લાએ તાજેતરમાં પૂર્વોત્તરના સાત રાજ્યોને ભારતથી અલગ કરવાની વાત કરી હતી, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અગરતલામાં વધતા તણાવને જોતા બાંગ્લાદેશી હાઇ કમિશનની આસપાસ સુરક્ષાના અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ (TSR) અને CRPF ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી ગત વર્ષ જેવી હુમલાની ઘટના ફરી ન બને. બીજી તરફ, બાંગ્લાદેશમાં હાદીના મૃત્યુ બાદ સ્થિતિ બેકાબૂ બની છે; પ્રદર્શનકારીઓએ ઢાકામાં મીડિયા હાઉસ અને શેખ મુજીબુર રહેમાનના આવાસ પર હુમલા કર્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો અત્યારે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હોય તેમ જણાય છે, જ્યાં એક તરફ કટ્ટરપંથીઓ ઝેર ઓકી રહ્યા છે તો બીજી તરફ ભારતીય નાગરિકો પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
