હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાપાની બેંકોની અસ્તિત્વ ટકાવવાની મથામણ: રોકડના કોથળા ભરીને ભારત કેમ દોડી રહી છે 'સૂર્યોદયના દેશ'ની બેંકો?
જો ભારત નહીં આવે તો જાપાનમાં બેંકોને તાળા મારવાની નોબત આવશે; મિત્સુબિશી ગ્રુપ (MUFG) ના શ્રીરામ ફાઇનાન્સમાં ₹40,000 કરોડના રોકાણથી દુનિયાભરમાં ચર્ચા

નવી દિલ્હી : જાપાનની દિગ્ગજ બેંકો અત્યારે પોતાના દેશમાં વિકાસની તમામ તકો ગુમાવી ચૂકી છે અને હવે તેઓ ભારતની ઝડપથી દોડતી અર્થવ્યવસ્થામાં પોતાનું ભવિષ્ય શોધી રહી છે. તાજેતરમાં જાપાનના સૌથી મોટા ફાઇનાન્શિયલ ગ્રુપ MUFG (મિત્સુબિશી) દ્વારા ભારતીય કંપની શ્રીરામ ફાઇનાન્સમાં ₹40,000 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય સોદો નથી, પરંતુ જાપાની બેંકો માટે અસ્તિત્વ ટકાવી રાખવાની એક મજબૂરી છે.
જાપાનમાં કેમ ઠપ્પ થઈ રહ્યો છે બેંકિંગ વ્યવસાય?
જાપાન અત્યારે ઘટતી જતી વસ્તી અને 'વૃદ્ધ થતા સમાજ'ની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નવા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો અને સ્થાનિક બજારમાં ધિરાણ (ક્રેડિટ) ની માંગ નબળી પડવાને કારણે ત્યાંની બેંકોનો નફો મર્યાદિત થઈ ગયો છે. જાપાનની ઘણી પ્રાદેશિક બેંકો અત્યારે મર્જર અથવા બંધ થવાના આરે છે. આ સંજોગોમાં, ભારતનું યુવાન બજાર અને વધતી જતી મધ્યમ વર્ગની વસ્તી તેમના માટે 'સંજીવની' સમાન સાબિત થઈ રહી છે.
ભારતમાં રોકાણનો મધપૂડો
માત્ર MUFG જ નહીં, પણ અન્ય જાપાની બેંકો પણ ભારતમાં મોટો હિસ્સો ખરીદવા પડાપડી કરી રહી છે:
• સુમિટોમો મિત્સુઇ (SMBC): મે મહિનામાં યસ બેંકમાં 20% હિસ્સો ખરીદવા $1.6 બિલિયન ખર્ચ્યા.
• મિઝુહો બેંક: એવેન્ડસ જેવી સંસ્થાઓને હસ્તગત કરી.
• દાઇવા સિક્યોરિટીઝ: એમ્બિટ ગ્રુપમાં ત્રીજી વખત રોકાણ કર્યું.
જાપાની બેંકો હવે ભારતમાં નવી ઓફિસ ખોલવાને બદલે સ્થાપિત ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવાનું મોડેલ અપનાવી રહી છે.
દુનિયાની નજર ભારત પર
ભારતનું બેંકિંગ ક્ષેત્ર અત્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે હોટસ્પોટ બન્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વર્ષે માત્ર બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે $15 બિલિયન (અંદાજે ₹1.25 લાખ કરોડ) ના વ્યવહારો થયા છે. દુબઈની અમીરાત NBD થી લઈને અમેરિકાની બ્લેકસ્ટોન સુધીની સંસ્થાઓ ભારતમાં હિસ્સો ખરીદી રહી છે. જાપાની બેંકો માટે ભારત હવે માત્ર વિકલ્પ નથી, પણ અનિવાર્યતા બની ગઈ છે. જો તેઓ ભારતના આર્થિક ગ્રોથમાં સહભાગી નહીં થાય, તો આગામી દાયકામાં જાપાનમાં તેમનું ટકી રહેવું મુશ્કેલ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
