29 વર્ષ જૂના છેતરપિંડી કેસમાં મંત્રી માણિકરાવ કોકાટેને મોટી રાહત: બોમ્બે હાઈકોર્ટે જેલની સજા મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા
મંત્રી પદ અને ધારાસભ્ય પદ પર હજુ પણ લટકતી તલવાર; બનાવટી દસ્તાવેજોના આધારે CM ક્વોટામાંથી ફ્લેટ પડાવવાના કેસમાં મુંબઈ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને અજિત પવાર જૂથના NCP મંત્રી માણિકરાવ કોકાટેને બોમ્બે હાઈકોર્ટ તરફથી શુક્રવારે મોટી રાહત મળી છે. વર્ષ 1995ના છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના કેસમાં નાસિક સેશન્સ કોર્ટે તેમને આપેલી બે વર્ષની જેલની સજા પર હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. જસ્ટિસ આર.એન. લદ્દાની બેન્ચે કોકાટેને 1 લાખ રૂપિયાની જામીનગીરી પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ અને 1995નો કેસ?
આ કેસની વિગતો લગભગ ત્રણ દાયકા જૂની છે. ભૂતપૂર્વ મંત્રી તુકારામ દિઘોલેએ આરોપ લગાવ્યો હતો કે કોકાટે બંધુઓએ તે સમયે 'મુખ્યમંત્રીના વિવેકાધીન ક્વોટા' હેઠળ ફ્લેટ મેળવવા માટે સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આરોપ મુજબ, કોકાટેએ પોતે ઓછી આવક ધરાવતા જૂથ (LIG) માં હોવાનું ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેમની પાસે અન્ય કોઈ મિલકત નથી. તપાસમાં આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.
મંત્રી પદ બચાવવા વકીલોની મથામણ
કોકાટેના વકીલ અનિકેત નિકમે કોર્ટમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે જો તેમને દોષિત ઠેરવવાના આદેશ પર રોક નહીં લગાવાય, તો તેમણે પોતાનું મંત્રી પદ અને ધારાસભ્ય પદ તાત્કાલિક ગુમાવવું પડી શકે છે. જોકે, હાઈકોર્ટે તેમની જેલની સજા સ્થગિત કરી છે પરંતુ દોષિત ઠેરવવા (Conviction) પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ થયો કે કાયદાકીય રીતે તેમના પદ પરનું જોખમ હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી.
નીચલી કોર્ટનો કડક વલણ
ફેબ્રુઆરી 2024માં નાસિકની મેજિસ્ટ્રેટ કોર્ટે માણિકરાવ અને તેમના ભાઈ સુનીલ કોકાટેને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદાને સેશન્સ કોર્ટે પણ ગત 16 ડિસેમ્બરે સમર્થન આપ્યું હતું. કોકાટે નાસિકની સિન્નાર બેઠકના પ્રતિનિધિ છે અને હાલની અજિત પવાર સરકારમાં રમતગમત મંત્રી તરીકે કાર્યરત છે. હવે આ કેસમાં હાઈકોર્ટના અંતિમ ચુકાદા પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
