હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'તુમ તો ઠહરે પરદેસી...': MP માં નશામાં ધૂત માસ્તરે ક્લાસરૂમમાં જમાવી ગીતોની મહેફિલ; ભણવાને બદલે બાળકોને અલ્તાફ રાજાના ગીતો સંભળાવ્યા
મંડલાની સરકારી શાળાના શિક્ષકનો શરમજનક વીડિયો વાયરલ; વિદ્યાર્થીઓ ભણવાની રાહ જોતા રહ્યા અને ગુરુજી દારૂના નશામાં કવિતાઓ અને કવ્વાલી લલકારતા રહ્યા

મંડલા : મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાંથી શિક્ષણના પવિત્ર ધામને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની એક સરકારી શાળામાં શિક્ષક મહેશ કુમાર દારૂના નશામાં એટલા ચૂર હતા કે તેઓ પોતે ક્યાં છે અને કોની સામે છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા. વર્ગખંડમાં જ્યારે બાળકો પેન અને નોટબુક લઈને ભણવા માટે તૈયાર બેઠા હતા, ત્યારે આ મહાશય તેમને અલ્તાફ રાજાનું પ્રખ્યાત ગીત "તુમ તો ઠહરે પરદેસી..." ગાઈને સંભળાવી રહ્યા હતા.
શિક્ષક બન્યા ગાયક, બાળકો લાચાર
વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં સ્પષ્ટ દેખાય છે કે શિક્ષક મહેશ કુમાર બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યા છે. ગીતો ગાવાની સાથે તેઓ વચ્ચે-વચ્ચે અસંબદ્ધ કવિતાઓ પણ વાંચી રહ્યા હતા. આ દ્રશ્ય અહમદપુર ગ્રામ પંચાયતની ગ્વારી ટોલા ઉન્નયન શિક્ષા ગેરંટી સ્કૂલનું હોવાનું જાણવા મળ્યું છે. બાળકો જેમના ભરોસે શાળાએ આવે છે, તે જ શિક્ષકની આવી હાલત જોઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાતા નેટીઝન્સે મધ્યપ્રદેશની ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પરના નિયંત્રણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે આવી બેદરકારીને કારણે જ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. અનેક લોકોએ માગ કરી છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આવા શિક્ષકોને તાત્કાલિક અસરથી બરતરફ કરવા જોઈએ.
તપાસના આદેશ અને કડક કાર્યવાહીની ખાતરી
મામલો ગરમાતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. સંબંધિત અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "શિક્ષકનું આવું વર્તન અસ્વીકાર્ય છે. વીડિયોની ખરાઈ કર્યા બાદ સરકારી નિયમો મુજબ મહેશ કુમાર સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે." હાલમાં આ 'ગાયક' શિક્ષક સમગ્ર રાજ્યમાં ટીકાપાત્ર બન્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
