<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

પંજાબના 'કરોડપતિ' DIG ભુલ્લરની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમે કહ્યું - "હાલ હાઈકોર્ટનો મામલો છે, અમે દખલ નહીં કરીએ"

લાંચના કેસમાં જેલવાસ ભોગવતા DIG ના ઘરેથી મળી હતી ₹7 કરોડથી વધુની રોકડ અને 50 મિલકતોના દસ્તાવેજો; CBIના અધિકારક્ષેત્ર પર ઉઠાવેલા સવાલો પણ કોર્ટે ગ્રાહ્ય ન રાખ્યા

ચંદીગઢ : લાંચ લેવાના આરોપમાં જેલના સળિયા ગણી રહેલા પંજાબના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું હતું કે, આ કેસ હજુ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેથી આ તબક્કે સુપ્રીમ કોર્ટ દખલગીરી કરશે નહીં. આ આકરા વલણ બાદ ભુલ્લરના વકીલે પોતાની અરજી પાછી ખેંચી લેવી પડી હતી.
CBIના સકંજામાં ફસાયા અને ખુલી 'કુબેરની તિજોરી'
DIG ભુલ્લરની ધરપકડ તે સમયે થઈ હતી જ્યારે CBIએ તેમની મધ્યસ્થી કૃષ્ણુ શારદાને ચંદીગઢમાંથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આરોપ છે કે ભંગારના વેપારી આકાશ પાસેથી ₹5 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ભુલ્લરના ચંદીગઢ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી મળેલી સંપત્તિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા:
•    રોકડ: ₹7.36 કરોડથી વધુની કેશ.
•    દાગીના: ₹2.32 કરોડની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં.
•    ઘડિયાળો: 26 મોંઘી અને ઇન્ટરનેશનલ બ્રાન્ડની ઘડિયાળો.
•    મિલકતો: પરિવારના નામે રહેલી આશરે 50 સ્થાવર મિલકતોના દસ્તાવેજો.
અધિકારક્ષેત્રનો દાવ ઉંધો પડ્યો
પોતાના બચાવમાં DIG ભુલ્લરે દલીલ કરી હતી કે પંજાબમાં તપાસ કરવા માટે CBI પાસે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી નહોતી, તેથી CBIને કેસ નોંધવાનો અધિકાર નથી. આ મુદ્દે તેમણે હાઈકોર્ટમાં સ્ટે માંગ્યો હતો, પરંતુ હાઈકોર્ટે કોઈ રાહત ન આપતા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ હાથ અધ્ધર કરી લેતા ભુલ્લરનો આ દાવ નિષ્ફળ રહ્યો છે.
બીજી FIR થી વધ્યો સકંજો
માત્ર લાંચ જ નહીં, પણ ઘરમાંથી મળેલા કરોડો રૂપિયાના કારણે ઇન્સ્પેક્ટર સોનલ મિશ્રાની ફરિયાદ પર ભુલ્લર સામે અપ્રમાણસર સંપત્તિ (DA Case) એકઠી કરવા બદલ બીજી FIR પણ નોંધવામાં આવી છે. હાલમાં આ ઉચ્ચ પોલીસ અધિકારી જેલમાં જ રહેશે અને હાઈકોર્ટમાં એક મહિના પછી થનારી સુનાવણી પર તેમની આશા ટકેલી છે.

(9:03 PM IST)