હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના બાળકો હવે લેશે 'સ્માર્ટ હવા': શિક્ષણ મંત્રી આશિષ સૂદની જાહેરાત, 10,000 સરકારી વર્ગખંડોમાં લાગશે એર પ્યુરિફાયર
પ્રદૂષણ સામે લડવા સરકારનો માસ્ટર પ્લાન; ઓડ-ઈવન જેવા અભિયાનોને ગણાવ્યા નિષ્ફળ, 'પર્યાવરણ સેસ'ના નાણાંથી રોડ સફાઈ માટે હાઈટેક મશીનોની પણ થશે ખરીદી

નવી દિલ્હી : દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉભી થાય છે, જેની સીધી અસર શાળાએ જતા માસૂમ બાળકો પર પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દિલ્હી સરકારના પ્રથમ તબક્કાના આયોજન હેઠળ શહેરના 10,000 સરકારી વર્ગખંડોમાં એર પ્યુરિફાયર સ્થાપિત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ સ્વચ્છ હવામાં અભ્યાસ કરી શકે.
"સ્માર્ટ સ્ટડી માટે સ્માર્ટ હવા"
પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી સૂદે કહ્યું કે, દિલ્હીમાં કુલ 38,000 સરકારી વર્ગખંડો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 10,000 રૂમોને આવરી લેવાશે અને તેના માટેના ટેન્ડરો આજે જ બહાર પાડી દેવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે અમારા બાળકો માત્ર સ્માર્ટ રીતે ભણે જ નહીં, પણ સ્માર્ટ હવામાં શ્વાસ પણ લે." આ પગલું દિલ્હીની 1,047 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થશે.
આમ આદમી પાર્ટી પર આકરા કટાક્ષ
આ જાહેરાત દરમિયાન આશિષ સૂદે પાછલી અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "અમે એવા લોકો નથી જેઓ આઈઆઈટી (IIT) ની ડિગ્રીની બડાઈ મારે અને 'ઓડ-ઈવન' કે 'ગાડી ચાલુ, ગાડી બંધ' જેવા નાટકબાજી વાળા અભિયાનો ચલાવે. અમે લાંબા ગાળાના વહીવટી અને નીતિગત ફેરફારો દ્વારા પ્રદૂષણ નાબૂદ કરવા માંગીએ છીએ." ઉલ્લેખનીય છે કે 2016 માં પ્રદૂષણ ઘટાડવા માટે તત્કાલીન સરકારે ઓડ-ઈવન યોજના લાગુ કરી હતી, જેને સૂદે નિષ્ફળ ગણાવી છે.
રસ્તાની સફાઈ માટે યાંત્રિક સાધનો
શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળતા સૂદે જણાવ્યું કે, હવે માત્ર શાળાઓ જ નહીં પણ રસ્તાઓ પર ઉડતી ધૂળને રોકવા માટે પણ નક્કર પગલાં લેવાશે. 'પર્યાવરણ સેસ'ના નાણાંનો ઉપયોગ કરીને દરેક વિધાનસભા મતવિસ્તાર માટે મિકેનિકલ રોડ સ્વીપર્સ (યાંત્રિક સફાઈ મશીનો) ખરીદવામાં આવશે. તેમણે MCD (દિલ્હી મહાનગરપાલિકા) ની ટીકા કરતા કહ્યું કે, પાછલી સરકારે સફાઈ કામદારોના પગાર પણ સમયસર આપ્યા નથી, જ્યારે અમારી સરકાર વ્યવસ્થાને પાટા પર લાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
