<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

પાકિસ્તાનમાં આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલો: ઉત્તર વઝીરિસ્તાનમાં જોરદાર વિસ્ફોટ બાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર

આત્મઘાતી બોમ્બરે આર્મી હેડક્વાર્ટરની દીવાલ ઉડાવી દીધી; સેનાની જવાબી કાર્યવાહીમાં 4 આતંકવાદીઓ ઠાર, અફઘાન સરહદે TTP ના વધતા પ્રભાવથી પાકિસ્તાન ફફડ્યું

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનમાં આવેલ બોયા વિસ્તારમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ સેનાના સુરક્ષા શિબિર (Army Security Camp) પર આત્મઘાતી હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ અને ત્યારબાદ શરૂ થયેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં ૪ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓનો ઈરાદો કેમ્પની અંદર ઘૂસીને મોટું નુકસાન પહોંચાડવાનો હતો.
આત્મઘાતી હુમલાથી શરૂ થઈ જંગ
માહિતી મુજબ, મીરાંશાહમાં લશ્કરી બટાલિયન મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાખોર આત્મઘાતી બોમ્બરે કેમ્પની બહારની દિવાલ પાસે જઈને વિસ્ફોટકોથી પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે દિવાલમાં મોટું ગાબડું પડી ગયું હતું, જેનો ફાયદો ઉઠાવીને અન્ય હથિયારબંધ આતંકવાદીઓએ કમ્પાઉન્ડમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક સૈનિકોએ તાત્કાલિક મોરચો સંભાળીને જવાબી હુમલો શરૂ કર્યો હતો.
TTP એ પાકિસ્તાની સેનાની ઉંઘ હરામ કરી
આ હુમલા પાછળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) નો હાથ હોવાની પ્રબળ શંકા છે. TTP એ પાકિસ્તાન સરકાર સાથેના યુદ્ધવિરામ કરારનો ભંગ કર્યા બાદ લશ્કરી ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે. આ વર્ષે જૂન મહિનામાં પણ મીર અલીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૬ પાકિસ્તાની સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર અને દક્ષિણ વઝીરિસ્તાન અત્યારે પાકિસ્તાની સેના માટે 'ડેથ ઝોન' સાબિત થઈ રહ્યા છે.
સરહદી વિસ્તારોમાં હાઈ-એલર્ટ
હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને હુમલા કરી રહ્યા છે, જ્યારે અફઘાન તાલિબાન આ વાતનો ઇનકાર કરી રહ્યું છે. આ આંતરિક ખેંચતાણ વચ્ચે પાકિસ્તાનના સરહદી પ્રાંતોમાં સામાન્ય નાગરિકો અને સૈનિકો માટે ભયનો માહોલ છે.

(9:05 PM IST)