<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અંતરિક્ષમાંથી ત્રાટક્યો 'પરગ્રહી' મહેમાન: 3I/ATLAS ધૂમકેતુની આસપાસ 4 લાખ કિલોમીટર લાંબી એક્સ-રે જ્વાળા દેખાઈ; વૈજ્ઞાનિકો સ્તબ્ધ

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ પહેલીવાર ઇન્ટરસ્ટેલર ધૂમકેતુનું એક્સ-રે સ્કેનિંગ કર્યું; સૂર્યના પવનો અને ધૂમકેતુના વાયુઓના ટકરાવથી સર્જાયું ભયાનક દ્રશ્ય

નવી દિલ્હી  : બ્રહ્માંડના અનંત ઊંડાણમાંથી આવેલા અને આપણા સૌરમંડળના મહેમાન બનેલા આંતર તારાકીય (Interstellar) ધૂમકેતુ 3I/ATLAS એ વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવ્યો છે. નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાનની JAXA એ સંયુક્ત રીતે આ ધૂમકેતુની એક્સ-રે તસવીરો કેપ્ચર કરી છે. આ તસવીરોમાં ધૂમકેતુની આસપાસ લગભગ 4,00,000 કિલોમીટર સુધી ફેલાયેલો એક વિશાળ એક્સ-રે ગ્લો (તેજ) જોવા મળ્યો છે. આટલી વિશાળ જ્વાળા અગાઉ ક્યારેય કોઈ ઇન્ટરસ્ટેલર પદાર્થમાં જોવા મળી નથી.
શા માટે આ શોધ છે અત્યંત ખાસ?
સામાન્ય રીતે ધૂમકેતુઓ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને ચમકે છે, પરંતુ 3I/ATLAS એક્સ-રે ઉત્સર્જિત કરી રહ્યો છે. જ્યારે સૂર્યમાંથી નીકળતા અતિ ઝડપી ચાર્જ કણો (સૌર પવન) આ ધૂમકેતુના વાયુઓ સાથે અથડાય છે, ત્યારે આ ભયાનક એક્સ-રે જ્વાળા પેદા થાય છે. આ શોધ એટલા માટે મહત્વની છે કારણ કે તે ધૂમકેતુની અંદર છુપાયેલા હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુઓને જાહેર કરે છે, જે સામાન્ય ટેલિસ્કોપથી જોઈ શકાતા નથી.
જેમ્સ વેબ ટેલિસ્કોપ પણ જે ન જોઈ શક્યું તે દેખાયું
વિશ્વના સૌથી શક્તિશાળી 'જેમ્સ વેબ ટેલિસ્કોપ' દ્વારા આ ધૂમકેતુમાં પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ શોધવામાં આવ્યા હતા. પરંતુ જાપાનના XRISM મિશને જ્યારે સતત 17 કલાક સુધી આ ધૂમકેતુનું નિરીક્ષણ કર્યું, ત્યારે તેના ન્યુક્લિયસમાંથી નીકળતા કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના સંકેતો મળ્યા. આ ડેટા અન્ય સૌરમંડળની રચના કેવી રીતે થઈ હશે તેના રહસ્યો ખોલવામાં મદદરૂપ સાબિત થશે.
પૃથ્વીની નજીકથી પસાર થશે આ મહેમાન
વૈજ્ઞાનિકોના મતે આ ધૂમકેતુ 19 ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીક આવવાનો છે. માનવ ઇતિહાસમાં અત્યાર સુધી જોવા મળેલો આ માત્ર ત્રીજો એવો પદાર્થ છે જે આપણા સૌરમંડળની બહારથી આવ્યો છે. યુરોપના XMM-ન્યૂટન ઓબ્ઝર્વેટરીએ લીધેલી તસવીરોમાં આ તેજપુંજ લાલ રંગનો દેખાય છે, જે અવકાશમાં એક ભયાનક છતાં અદ્ભુત દ્રશ્ય ખડું કરે છે. આ શોધથી સાબિત થયું છે કે આપણી ગેલેક્સીમાં અન્ય તારામંડળો કયા પદાર્થોથી બનેલા છે.

(9:21 PM IST)