<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

શેખ હસીનાને તાનાશાહ સમજયા : હવે તેની કિંમત ચૂકવવી પડશે: પશ્ચિમની 3 ભૂલો જેણે બાંગ્લાદેશને નર્કમાં ફેરવી દીધું

ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવે કહ્યું છે કે પશ્ચિમે બાંગ્લાદેશને ડેનમાર્ક સમજવાની ગંભીર ભૂલ કરી છે: શેખ હસીનાના જવાથી લોકશાહી નહીં પણ કટ્ટરપંથીઓ અને ટોળાઓનું શાસન શરૂ થયું છે : આ પશ્ચિમી અજ્ઞાનતાએ કટ્ટરપંથી શક્તિઓને મજબૂત બનાવી છે

નવી દિલ્હી: ભારતના પૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવે બાંગ્લાદેશની વર્તમાન કટોકટી પર પશ્ચિમી દેશોના ભ્રમને તોડતું એક ધારદાર વિશ્લેષણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે "બાંગ્લાદેશ ડેનમાર્ક નથી," એટલે કે પશ્ચિમી દેશોએ જે રીતે યુરોપિયન લોકશાહીના ચશ્મા પહેરીને બાંગ્લાદેશને જોવાની ભૂલ કરી, તેણે જ આ દેશને વિનાશના આરે લાવી મૂક્યો છે. પશ્ચિમી જગતે શેખ હસીનાને માત્ર એક સરમુખત્યાર તરીકે ચીતરીને તેમને સત્તા પરથી હટાવવા માટે પરોક્ષ રસ્તો સાફ કર્યો, પરંતુ તેઓ એ ભૂલી ગયા કે હસીના એ દેશમાં સ્થિરતા જાળવી રાખનાર સૌથી મજબૂત કડી હતા. આજે પરિણામ એ છે કે બાંગ્લાદેશ લોકશાહી તરફ જવાને બદલે કટ્ટરપંથીઓ અને હિંસક ટોળાઓના હાથમાં પટકાયું છે, જ્યાં યુનુસ સરકાર તદ્દન લાચાર દેખાઈ રહી છે.

બાંગ્લાદેશમાં અત્યારે જે રીતે હિંસાની આગ ભભૂકી રહી છે, તે નિરુપમા રાવની આશંકાઓને સાબિત કરી રહી છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ચિત્તાગોંગમાં ભારતીય હાઈ કમિશનરના આવાસ પર હુમલો અને પૂર્વ મંત્રીઓના ઘરોમાં આગચંપી એ દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. પશ્ચિમી દેશોને એવી અપેક્ષા હતી કે હસીનાના ગયા પછી ઉદારવાદી લોકશાહી આવશે, પરંતુ વાસ્તવમાં સત્તાના આ શૂન્યાવકાશને જમાત-એ-ઇસ્લામી જેવા ઉગ્રવાદી સંગઠનોએ ભરી દીધો છે. જે પશ્ચિમી દેશો હસીનાના શાસનમાં માનવાધિકારની વાતો કરતા હતા, તેઓ અત્યારે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને પત્રકારો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓ સામે મૌન સેવી રહ્યા છે.

ભારત માટે આ પરિસ્થિતિ સુરક્ષાની દ્રષ્ટિએ 'રેડ એલર્ટ' સમાન છે. નિરુપમા રાવના મતે, પશ્ચિમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે હસીનાને હટાવ્યા પછીના કોઈ મધ્યમ માર્ગ કે વિકલ્પનો વિચાર જ નહોતો કર્યો. હવે બાંગ્લાદેશ સીરિયા કે અફઘાનિસ્તાન જેવા માર્ગે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં સડકો પર ભીડ દ્વારા ન્યાય તોળવામાં આવે છે. પશ્ચિમી "લોકશાહીના સૌંદર્ય શાસ્ત્ર" એ દક્ષિણ એશિયાના એક સ્થિર અર્થતંત્રને કટ્ટરપંથીઓના ગઢમાં ફેરવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે શું વિશ્વની મહાસત્તાઓ પોતાની આ ભયાનક ભૂલ સુધારશે કે પછી બાંગ્લાદેશને તેના નસીબ પર છોડી દેશે, જેની કિંમત સમગ્ર એશિયાએ ચૂકવવી પડી શકે છે.

(11:07 PM IST)