હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અસીમ મુનીર માટે 'ધર્મસંકટ': ટ્રમ્પનું ગાઝા મિશન અને પાકિસ્તાની આર્મી ચીફની અગ્નિપરીક્ષા
વોશિંગ્ટનનું દબાણ અને દેશમાં બળવાની બીક: ગાઝામાં સૈનિકો મોકલવા મુદ્દે ઇસ્લામાબાદ 'એક તરફ કૂવો અને બીજી તરફ ખાડો' જેવી સ્થિતિમાં: શું અમેરિકાને ખુશ કરવા મુનીર જનતાનો આક્રોશ વહોરશે?

ઇસ્લામાબાદ:પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અત્યારે ઈતિહાસના સૌથી મુશ્કેલ વળાંક પર ઉભા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં શાંતિ સ્થાપવા માટે 'ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ' (ISF) બનાવી રહ્યા છે અને તેમાં પાકિસ્તાની સૈનિકોની હાજરી અનિવાર્ય ગણાવી રહ્યા છે. વોશિંગ્ટનથી સતત આવતા દબાણ અને બીજી તરફ પાકિસ્તાનમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના સંભવિત બળવા વચ્ચે મુનીર માટે નિર્ણય લેવો 'લોખંડના ચણા ચાવવા' સમાન છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી સત્તાવાર નિર્ણય લેવાયો નથી, પરંતુ અસીમ મુનીરની આગામી વોશિંગ્ટન મુલાકાત આ મિશન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
પાકિસ્તાન માટે આ મુદ્દો માત્ર વ્યૂહાત્મક નથી પરંતુ અત્યંત ભાવનાત્મક પણ છે. જો જનરલ મુનીર અમેરિકાની શરતો માનીને ગાઝામાં હમાસના નિઃશસ્ત્રીકરણ માટે સૈનિકો મોકલે છે, તો પાકિસ્તાની જનતા તેને 'ઇસ્લામ વિરોધી' પગલું ગણીને રસ્તા પર ઉતરી શકે છે, જે આર્મી સામે બળવાનું કારણ બની શકે છે. બીજી તરફ, તુર્કી અને કતાર જેવા મુસ્લિમ દેશો પણ હમાસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, જેના કારણે પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ પણ વધી રહ્યું છે. પાકિસ્તાને ક્યારેય ઇઝરાયલને માન્યતા આપી નથી, તેથી ઇઝરાયલ-અમેરિકાના પ્રભુત્વવાળા મિશનમાં જોડાવું એ મુહમ્મદ અલી ઝીણાની વર્ષો જૂની વિદેશ નીતિ વિરુદ્ધનું કદમ ગણાશે.
જોકે, પાકિસ્તાનની આર્થિક લાચારી તેને અમેરિકાની અવગણના કરવા દેતી નથી. માઈકલ કુગેલમેન જેવા નિષ્ણાતો માને છે કે જો પાકિસ્તાન આ મિશનમાં જોડાવાનો ઇનકાર કરશે, તો ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ શકે છે, જેની સીધી અસર પાકિસ્તાનને મળતી અમેરિકન આર્થિક સહાય અને રોકાણ પર પડશે. પાકિસ્તાન અત્યારે કંગાળીયત સામે ઝઝૂમી રહ્યું છે અને તેને વોશિંગ્ટનના ટેકાની સખત જરૂર છે. આમ, અસીમ મુનીર માટે પરિસ્થિતિ એવી છે કે જો સૈનિકો મોકલે તો દેશમાં આંતરિક યાદવાસ્થળી ફાટી નીકળવાનો ડર છે, અને જો ન મોકલે તો અમેરિકાનો આર્થિક ચાબુક પાકિસ્તાનને બરબાદ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
