<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પત્‍ની અને માસૂમ બાળકો સાથે જઈ રહેલા મુસાફર પર ઓફ-ડ્‍યુટી પાયલટનો હુમલોઃ મામલો બીચકતા પાયલટે મુસાફરને અભણ કહીને અપમાનિત કર્યા બાદ હાથ ઉપાડ્‍યો

દિલ્‍હી એરપોર્ટ પર એર ઇન્‍ડિયાના પાયલટની દાદાગીરીઃ કતારમાં ઉભા રહેવા જેવી સામાન્‍ય બાબતે મુસાફરને માર મારી લોહીલુહાણ કરી દીધોઃ એરલાઈને પાયલટને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કર્યો

નવી દિલ્‍હી તા.૨૦: દેશની રાજધાની દિલ્‍હીના ઇન્‍દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ  પર સુરક્ષા તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જવાબદાર ગણાતા પાયલટે સામાન્‍ય મુસાફર પર જીવલેણ હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષા અને સ્‍ટાફના વર્તન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંકિત દીવાન નામનો યુવક પોતાની પત્‍ની, ૭ વર્ષની પુત્રી અને ૪ મહિનાની નાની બાળકી સાથે રજાઓ ગાળવા જઈ રહ્યો હતો. તેમની સાથે નાની બાળકીનું સ્‍ટ્રોલર (બાબાગાડી) હોવાથી એરપોર્ટ સ્‍ટાફે તેમને સ્‍ટાફ અને પીઆરએમ માટેની અલગ લાઈનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.

જ્‍યારે અંકિત અને તેનો પરિવાર લાઈનમાં ઉભો હતો ત્‍યારે એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસનો પાયલટ કેપ્‍ટન વીરેન્‍દ્ર સેજવાલ (જે તે સમયે ઓફ-ડ્‍યુટી હતો અને બેંગલુરુ જવા માટે ઈન્‍ડિગોની ફલાઈટ પકડવા આવ્‍યો હતો) ત્‍યાં આવી પહોંચ્‍યો હતો. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા મુજબ, પાયલટ લાઈનમાં આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્‍યારે અંકિતે તેને અટકાવ્‍યો અને લાઈનમાં આવવા કહ્યું, ત્‍યારે પાયલટ ઉશ્‍કેરાઈ ગયો હતો.

ભોગ બનનાર અંકિત દીવાનના જણાવ્‍યા મુજબ, પાયલટે દાદાગીરી કરતા તેને પૂછ્‍યું હતું કે, શું તું અભણ છે? તને બોર્ડ વાંચતા નથી આવડતું કે આ સ્‍ટાફ માટેની એન્‍ટ્રી છે? અંકિતે તેને સમજાવવાનો પ્રયત્‍ન કર્યો કે તેની પાસે પરવાનગી છે, પરંતુ પાયલટનો ગુસ્‍સો સાતમા આસમાને હતો. શાબ્‍દિક ટપાટપી ઉગ્ર બનતા પાયલટે અંકિત પર શારીરિક હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં અંકિતના ચહેરા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી અને એરપોર્ટ પરિસરમાં જ તેનું લોહી વહેવા લાગ્‍યું હતું.

આ સમગ્ર ઘટના અંકિતની પત્‍ની અને બે નાની બાળકીઓની નજર સામે બની હતી. અંકિતે સોશિયલ મીડિયા પર પોતાની વ્‍યથા ઠાલવતા લખ્‍યું હતું કે, મારી ૭ વર્ષની દીકરીએ તેના પિતાને આ રીતે માર ખાતા અને લોહીલુહાણ થતા જોયા, જેના કારણે તે અત્‍યંત ભયભીત અને આઘાતમાં છે. અમારો આખો પ્રવાસ અને રજાઓ બરબાદ થઈ ગઈ છે.

પાયલટ સસ્‍પેન્‍ડઃ તપાસના આદેશઃ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં લઈને એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસે તાત્‍કાલિક પગલાં લીધા છે. એરલાઈનના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા પાયલટને તપાસ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી ફરજ પરથી મુક્‍ત (સસ્‍પેન્‍ડ) કરી દેવામાં આવ્‍યો છે. એરલાઈને સ્‍પષ્ટતા કરી હતી કે તેઓ મુસાફરો સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તનને ચલાવી લેશે નહીં.

બીજી તરફ, ભોગ બનનાર મુસાફરે એરપોર્ટ પ્રશાસન અને પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્‍યક્‍ત કરી હતી, કારણ કે તેને ન્‍યાય મેળવવા માટે પોતાની ફલાઈટ અને રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઈ હતી.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો પાયલટના આવા જંગલી વર્તન સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને કડક સજાની માંગ કરી રહ્યા છે.

(11:45 AM IST)