News of Saturday, 20th December 2025
યુનુસ સરકારની કડક કાર્યવાહીઃ હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં ૭ની ધરપકડ
રેપિડ એક્શન બટાલિયન (RAB) દ્વારા વિવિધ સ્થળોએ સંકલિત દરોડા પાડીને દબોચાયા

ઢાકા, તા.૨૦: બાંગ્લાદેશમાં વ્યાપેલી અંધાધૂંધી અને હિંસાની વચ્ચે મૈમનસિંહ જિલ્લામાં બનેલી માનવતાને શર્મસાર કરતી ઘટનામાં યુનુસ સરકારે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને જાહેરમાં ફાંસી આપીને સળગાવી દેવાના જઘન્ય અપરાધમાં સંડોવાયેલા સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પોતે આ ધરપકડની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રેપિડ એક્શન બટાલિયન દ્વારા વિવિધ સ્થળોએ સંકલિત દરોડા પાડીને આ નરાધમોને દબોચી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા વચગાળાની સરકારે લઘુમતીઓ વિરુદ્ધ થતી હિંસા -ત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોય તેવું જણાય છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ૧૯ વર્ષના યુવાનોથી લઈને ૪૬ વર્ષ સુધીના આધેડ વ્યક્તિઓ સામેલ છે, જે દર્શાવે છે કે આ હિંસામાં કેટલું વરવું ઝેર ભળેલું હતું. RAB-૧૪ ના એકમોએ આખી રાત ઓપરેશન ચલાવીને મોહમ્મદ લિમોન સરકાર, તારેક હુસૈન અને અન્ય પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દીપુ ચંદ્ર દાસની હત્યા જે રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી, તેનાથી માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના દબાણ હેઠળ સરકારે આ ઝડપી એક્શન લીધા છે.
આ લિંચિંગની ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશ વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના મળત્યુ બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં છે. હાદીની હત્યાના રોષમાં ઉતરેલા ટોળાએ અનેક જગ્યાએ અરાજકતા ફેલાવી હતી, જેમાં દીપુ ચંદ્ર દાસ જેવા નિર્દોષો ભોગ બન્યા હતા. યુનુસ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે નવા બાંગ્લાદેશમાં આવી હિંસા અને નફરત માટે કોઈ સ્થાન નથી. સરકારે હાદીને શહીદ જાહેર કરવાની સાથે સાથે લોકોને સંયમ રાખવા અને ધાર્મિક કે રાજકીય ઉશ્કેરણીમાં ન આવવા વિનંતી કરી છે, જેથી દેશમાં ફરી શાંતિ સ્થાપી શકાય.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
