News of Saturday, 20th December 2025
ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સાથી એલિસ સ્ટેફનિકનો રાજકારણમાંથી સંન્યાસ: ન્યૂયોર્ક ગવર્નરની રેસમાંથી હટીને દુનિયાને ચોંકાવી દીધી!
"રાજકારણ કરતા માતા હોવું વધુ મહત્વનું", કહીને પદ છોડ્યું; રિપબ્લિકન પાર્ટીના આ દિગ્ગજ મહિલા નેતાના નિર્ણયથી અમેરિકી રાજકારણમાં ભૂકંપ

વોશિંગ્ટન : અમેરિકાના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચિત નામ એલિસ સ્ટેફનિકે એક એવો નિર્ણય લીધો છે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વફાદાર સાથી અને હાઉસ રિપબ્લિકન નેતા એલિસ સ્ટેફનિકે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ન્યૂયોર્કના ગવર્નર પદ માટેની પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને આગામી કોંગ્રેસની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. ૪૧ વર્ષીય સ્ટેફનિકનો આ નિર્ણય રિપબ્લિકન પાર્ટી માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.
પરિવાર અને સંતાન માટે સત્તાનો ત્યાગ
પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળ સ્ટેફનિકે ભાવુક કારણ આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "કોંગ્રેસમાં મારા ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં અનેક પદ સંભાળ્યા, પરંતુ મારા માટે 'માતા' હોવું એ સૌથી મહત્વનું પદ છે." તેમણે ઉમેર્યું કે તેઓ પોતાના નાના પુત્રના ઉછેર અને સુરક્ષા પર વધુ ધ્યાન આપવા માંગે છે. રાજકારણના ધમાસાણ વચ્ચે એક શક્તિશાળી મહિલા નેતા દ્વારા પરિવાર માટે સત્તા છોડવાનો આ કિસ્સો સમગ્ર અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ટ્રમ્પના બે સાથીઓ વચ્ચેની જંગનો અંત?
સ્ટેફનિકની નિવૃત્તિ પાછળ માત્ર પારિવારિક કારણો જ નહીં, પણ રાજકીય ગણિત પણ હોવાનું મનાય છે. ન્યૂયોર્ક ગવર્નરની ટિકિટ માટે ટ્રમ્પના જ બીજા એક સાથી બ્રુસ બ્લેકમેન મેદાનમાં ઉતર્યા હતા. ટ્રમ્પ પોતે પણ મૂંઝવણમાં હતા કે તેમના બે ખાસ મિત્રોમાંથી કોને ટેકો આપવો. સ્ટેફનિકે જણાવ્યું કે, પક્ષની અંદર જ લાંબી અને ખર્ચાળ લડાઈ લડવી એ સમય અને સંસાધનોનો બગાડ છે. આ નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની પ્રશંસા કરતા કહ્યું કે, "એલિસ એક અદભૂત પ્રતિભા છે અને તે ગમે તે કરશે, તેમાં સફળ થશે."
એક તેજસ્વી કારકિર્દી પર વિરામ
એલિસ સ્ટેફનિકે ૨૦૧૪ માં ઇતિહાસ રચ્યો હતો જ્યારે તેઓ અમેરિકી સંસદમાં ચૂંટાનારા સૌથી નાની ઉંમરના મહિલા બન્યા હતા. તેઓ હાઉસ રિપબ્લિકન કોન્ફરન્સના ચોથા ક્રમના સૌથી શક્તિશાળી નેતા હતા. અગાઉ ટ્રમ્પે તેમને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે પણ પસંદ કર્યા હતા. જોકે, હવે તેઓ ૨૦૨૭ માં પોતાની વર્તમાન મુદત પૂરી કરીને કેપિટોલ હિલને અલવિદા કહેશે. ન્યૂયોર્ક જેવા ડેમોક્રેટિક ગઢમાં રિપબ્લિકન પાર્ટીનો મોટો ચહેરો ગણાતા સ્ટેફનિકની વિદાયથી આગામી ચૂંટણીઓમાં નવા સમીકરણો સર્જાશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
