તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 20th December 2025
ઢાકામાં જનસૈલાબ: ક્રાંતિના પ્રણેતા ઉસ્માન હાદીની અંતિમ વિદાયમાં આખું બાંગ્લાદેશ હીબકે ચઢ્યું
શેખ હસીના સરકારને ઉથલાવનાર આંદોલનના યુવા ચહેરાને રાષ્ટ્રીય કવિની બાજુમાં અપાઈ દફનવિધિ: યુનુસ સરકારે જાહેર કર્યો રાષ્ટ્રીય શોક

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના મુખ્ય સૂત્રધાર અને ઇન્કલાબ મોરચાના કન્વીનર શરીફ ઉસ્માન હાદીની અંતિમયાત્રામાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ઢાકાના માનિક મિયા એવન્યુ અને સંસદ ભવન પાસેનો વિસ્તાર શોકતુર નાગરિકોથી ઉભરાઈ ગયો હતો, જ્યાં હાદીના અંતિમ સંસ્કારની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમની લોકપ્રિયતા અને ક્રાંતિકારી વિચારોને માન આપતા, પરિવારની ઈચ્છા મુજબ તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઈસ્લામની કબરની બરાબર બાજુમાં દફનાવવામાં આવ્યા હતા. આ વિદાય વેળાએ વાતાવરણ ગમગીન હતું, પરંતુ લોકોમાં પોતાની નેતાની હત્યાને લઈને ભારે રોષ પણ જોવા મળ્યો હતો.
મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઉસ્માન હાદીના માનમાં શનિવારે રાજ્ય શોક જાહેર કર્યો હતો, જેના પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે જ્યારે હાદી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમને નજીકથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્યા બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન પણ લોકોએ ન્યાયની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેશના વિભિન્ન પૂજા સ્થળોએ તેમના આત્માની શાંતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
હાલમાં ઢાકા અને ખાસ કરીને સંસદ ભવન આસપાસની સુરક્ષા લોખંડી બનાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ અને પોલીસની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેથી સ્થિતિ વધુ ન વણસે. બીજી તરફ, બાંગ્લાદેશની સાયબર સુરક્ષા એજન્સી પણ એક્શન મોડમાં આવી છે. સોશિયલ મીડિયા પર હિંસા ભડકાવતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને આવી પ્રવૃત્તિઓની જાણ કરવા માટે વોટ્સએપ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. હાદીના નિધનથી સર્જાયેલું રાજકીય શૂન્યાવકાશ બાંગ્લાદેશના ભવિષ્ય અને આગામી ચૂંટણીઓ પર મોટી અસર પાડશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
