News of Saturday, 20th December 2025
ઉત્તર-પૂર્વના આકાશમાં વિકાસની નવી ઉડાન: PM મોદીએ ગુવાહાટીમાં આધુનિક એરપોર્ટ ટર્મિનલ અને બારદોલોઈની 80 ફૂટની પ્રતિમાનું કર્યું લોકાર્પણ!
વાંસ અને ઓર્કિડની થીમ પર બનેલું ભવ્ય ટર્મિનલ વાર્ષિક 1.3 કરોડ મુસાફરોનું કરશે સ્વાગત; "આસામ હવે વિકસિત ભારતનું એન્જિન બનશે" - વડાપ્રધાન

ગુવાહાટી : આસામ અને સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટીમાં 'લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક'ના અત્યાધુનિક નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરીને જનતાને સમર્પિત કર્યું છે. આ પ્રસંગે તેમણે આસામના પ્રથમ મુખ્યમંત્રી અને ભારત રત્ન ગોપીનાથ બારદોલોઈની વિશાળ ૮૦ ફૂટની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું, જે એરપોર્ટની બહાર આવતા-જતા પ્રવાસીઓ માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બનશે.
આસામની સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભૂત સંગમ
અંદાજે ૧.૪ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ માત્ર ઇંટો અને પથ્થરોનું માળખું નથી, પરંતુ આસામની જૈવવિવિધતાનું પ્રતિબિંબ છે. આ ઈમારતને 'વાંસ અને ઓર્કિડ'ની થીમ પર તૈયાર કરવામાં આવી છે, જે રાજ્યના સાંસ્કૃતિક વારસાની ઝલક આપે છે. આ ટર્મિનલની ક્ષમતા એટલી વિશાળ છે કે તે વાર્ષિક ૧.૩ કરોડ મુસાફરોને સંભાળી શકશે, જેનાથી ઉત્તર-પૂર્વમાં પર્યટન અને વેપારના નવા દ્વાર ખુલશે.
"ડબલ એન્જિન સરકારમાં બ્રહ્મપુત્ર જેવો અવિરત વિકાસ"
એરપોર્ટના લોકાર્પણ બાદ એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષમાં આસામમાં લાખો કરોડના પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે. તેમણે કહ્યું, "ભાજપની ડબલ એન્જિન સરકારમાં વિકાસ બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની જેમ અવિરત વહી રહ્યો છે." પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારો માટે ઉત્તર-પૂર્વ ક્યારેય પ્રાથમિકતા નહોતું, પરંતુ અમારી 'એક્ટ ઈસ્ટ' પોલિસી હેઠળ આજે આ વિસ્તાર દેશના વિકાસનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
આગામી કાર્યક્રમો: બ્રહ્મપુત્રમાં ક્રૂઝ સફર અને 'પરીક્ષા પે ચર્ચા'
વડાપ્રધાનનો આ પ્રવાસ હજુ વધુ રોમાંચક બનવાનો છે. આવતીકાલે પીએમ મોદી બ્રહ્મપુત્ર નદીમાં ક્રૂઝ શિપ પર સવાર થઈને ૨૫ વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરશે. આ ઉપરાંત, તેઓ આસામ ચળવળના ૮૬૦ શહીદોની યાદમાં બનેલા 'સ્વાહિદ સ્મારક ક્ષેત્ર'ની મુલાકાત લેશે અને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ તમામ પ્રોજેક્ટ્સને રાજ્યના આર્થિક વિકાસ માટે માઈલસ્ટોન ગણાવ્યા છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
