News of Saturday, 20th December 2025
'ધૂરંધર'નો નાનકડો ધમાકો: રહેમાન ડાકુના દીકરાનું પાત્ર ભજવનાર ૧૪ વર્ષના બિહારી છોકરાએ મચાવી સનસનાટી, એક પણ ડાયલોગ વગર જીતી લીધા લાખો દિલ!
૪૦૦ કરોડની કમાણી કરનાર ફિલ્મમાં અક્ષય ખન્નાના પુત્ર 'ફૈઝલ'ની ભૂમિકામાં ચમક્યો અજિંક્ય મિશ્રા; જાણો કોણ છે આ બાળ કલાકાર જેની સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાહ-વાહી

નવી દિલ્હી : ૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'ધૂરંધર' હાલ સિનેમાઘરોમાં સુનામી લાવી રહી છે. માત્ર બે અઠવાડિયામાં ૪૦૦ કરોડથી વધુની કમાણી કરનાર આ ફિલ્મની વાર્તા અને તેના કલાકારોની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા છે. અક્ષય ખન્નાએ ભજવેલું 'રહેમાન ડાકુ'નું પાત્ર અને તેના ડાન્સ મૂવ્સે તો ધૂમ મચાવી જ છે, પણ આ બધાની વચ્ચે રહેમાનના નાના દીકરા 'ફૈઝલ'નું પાત્ર ભજવનાર ૧૪ વર્ષના છોકરાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
રહેમાન ડાકુના નાના પુત્ર ફૈઝલની ભૂમિકા ભજવનાર કલાકારનું નામ અજિંક્ય મિશ્રા છે. મૂળ બિહારના ભોજપુર જિલ્લાનો વતની અજિંક્ય માત્ર ૧૪ વર્ષનો છે. રસપ્રદ વાત એ છે કે આખી ફિલ્મમાં અજિંક્યનો એક પણ સંવાદ (ડાયલોગ) નથી, છતાં તેની આંખો અને ચહેરાના હાવભાવથી તેણે પ્રેક્ષકો પર ઊંડી છાપ છોડી છે. રણવીર સિંહ (હમઝા) જે બાળકને બચાવે છે તે બીજું કોઈ નહીં પણ આ અજિંક્ય જ છે.
અજિંક્ય માટે આ સફળતા રાતોરાત નથી મળી. તેને ૩ વર્ષની ઉંમરથી જ અભિનયમાં રસ હતો, જેને જોઈને તેના પિતાએ તેને એક્ટિંગ સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો. અનેક ટીવી જાહેરાતોમાં કામ કર્યા બાદ ૨૦૧૯માં તેને 'દિલ તો હેપ્પી હૈ જી' સીરિયલ દ્વારા પહેલો બ્રેક મળ્યો હતો. તાજેતરમાં જ તે નેટફ્લિક્સની વેબ સિરીઝ 'સિંગલ પાપા'માં કુણાલ ખેમુ અને નેહા ધૂપિયા સાથે પણ જોવા મળ્યો હતો.
ફિલ્મમાં 'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા ટંડને રહેમાન ડાકુની પત્નીની ભૂમિકા ભજવી છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને આ ફિલ્મના કલાકારો પસંદ કરવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો અને અજિંક્યની પસંદગી તે મહેનતનું જ ફળ છે. અપેક્ષા છે કે આ વીકેન્ડ સુધીમાં ફિલ્મ ૫૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે. બિહારના આ નાના છોકરાએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા હોય તો શબ્દોની જરૂર પડતી નથી
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
