નીરવ મોદીને બ્રિટિશ જેલની વ્યવસ્થા નડી: કાગળકામમાં વિલંબને કારણે 'બેંક ઓફ ઈન્ડિયા' લોન કેસની ટ્રાયલ મુલતવી, જાણો હવે ક્યારે થશે સુનાવણી
લંડનની કોર્ટે ૨૩ માર્ચ સુધીની આપી નવી તારીખ; જેલ ટ્રાન્સફર બાદ દસ્તાવેજો ન મળતા નીરવ મોદીએ કરી હતી અપીલ, ભારત પ્રત્યાર્પણ પર પણ લટકી રહી છે તલવાર

લંડન : ભારતના બેંકિંગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંના એકના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને લંડનની કોર્ટમાંથી આંશિક રાહત મળી છે. બ્રિટિશ જેલ અધિકારીઓ દ્વારા જરૂરી કાનૂની દસ્તાવેજો પૂરા પાડવામાં થયેલા વિલંબને કારણે, કોર્ટે 'બેંક ઓફ ઈન્ડિયા' સાથે જોડાયેલા ૮ મિલિયન ડોલરના લોન કેસની કાર્યવાહી મુલતવી રાખવા સંમતિ આપી છે. ન્યાયાધીશ સિમોન ટિંકલરે આ મામલાની સુનાવણી હવે ૨૩ માર્ચ સુધી લંબાવી દીધી છે.
જેલ ટ્રાન્સફર બન્યું વિલંબનું કારણ
૫૪ વર્ષીય નીરવ મોદી હાલમાં લંડનની પેન્ટનવિલે જેલમાં કેદ છે. અગાઉ તેને થેમ્સાઇડ જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ ઓક્ટોબરમાં હાઇકોર્ટની સુનાવણી માટે તેનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. નીરવ મોદીના વકીલોએ દલીલ કરી હતી કે આ ટ્રાન્સફર દરમિયાન તેના બચાવ પક્ષના મહત્વના દસ્તાવેજો અને બંડલ્સ તેની પાસે પહોંચ્યા નથી. ન્યાયાધીશે આ બાબતની ગંભીરતા નોંધતા કહ્યું કે, જો આરોપી પાસે પોતાના બચાવ માટે પૂરતા કાગળો જ ન હોય, તો ટ્રાયલ આગળ વધારવી એ ન્યાયી રહેશે નહીં.
ભારત પ્રત્યાર્પણ પર અનિશ્ચિતતાના વાદળો
નીરવ મોદી સામે ભારતમાં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો છે. માર્ચ ૨૦૧૯ થી તે બ્રિટિશ જેલમાં છે અને સતત ભારત આવવાનો વિરોધ કરી રહ્યો છે. નીરવના વકીલ જેમ્સ કિનમેને કોર્ટમાં એવો દાવો પણ કર્યો છે કે ઓક્ટોબર ૨૦૨૬ પહેલા નીરવનું ભારત પ્રત્યાર્પણ અશક્ય છે. જોકે, ભારતીય એજન્સીઓ તેને વહેલી તકે ભારત લાવવા માટે તમામ કાયદાકીય દાવપેચ અજમાવી રહી છે.
સીબીઆઈ અને ઈડીની બાજ નજર
નીરવ મોદી હાલમાં જેલની સાંકડી કોઠરીમાં રહીને પોતે જ પોતાનો કેસ લડી રહ્યો છે. તેની સામે ત્રણ પ્રકારના ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જેમાં છેતરપિંડી, મની લોન્ડરિંગ અને પુરાવાઓ સાથે છેડછાડનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૨૧ માં બ્રિટિશ સરકારે તેના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી, પરંતુ વિવિધ અપીલો અને 'ગુપ્ત કાયદાકીય પ્રક્રિયાઓ'ને કારણે આ મામલો સતત લંબાઈ રહ્યો છે. હવે ૨૩ માર્ચની સુનાવણીમાં આર્થિક કૌભાંડી વિરુદ્ધ શું વળાંક આવે છે તેના પર ભારતની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
