હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"વંદે માતરમ્ હવે રાષ્ટ્ર નિર્માણનો મંત્ર બનશે": બંગાળમાં ખરાબ હવામાનને કારણે પીએમ મોદીએ એરપોર્ટ પરથી જ ગજવી વર્ચ્યુઅલ રેલી
નદિયામાં હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શકતા પીએમ મોદીએ લોકોની માફી માંગી; મમતા સરકાર પર આકરા પ્રહાર કરતા બંગાળને 'જંગલરાજ'માંથી મુક્ત કરવા હાકલ કરી

કોલકાતા : પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના તાહેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કુદરતે વિઘ્ન નાખ્યું હતું. ભારે ધુમ્મસ અને 'લો વિઝિબિલિટી'ને કારણે પીએમ મોદીનું હેલિકોપ્ટર લેન્ડિંગ કરી શક્યું નહોતું, જેના પગલે તેમને સુરક્ષાના કારણોસર કોલકાતા એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. જોકે, ત્યાં પહોંચવાની આતુરતા એટલી હતી કે પીએમ મોદીએ એરપોર્ટ પરથી જ વર્ચ્યુઅલી રેલીને સંબોધિત કરી હજારોની મેદનીમાં જોશ ભરી દીધું હતું.
પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને નમન કર્યા હતા. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, "એક સમયે વંદે માતરમ્ બ્રિટિશ શાસન સામે લડવાનો મંત્ર હતો, પરંતુ આજે ૨૧મી સદીમાં આપણે વંદે માતરમ્ને રાષ્ટ્ર નિર્માણનો મંત્ર બનાવવાનો છે." તેમણે બંગાળની જનતાને આહવાન કર્યું કે બંગાળના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે.
પીએમ મોદીએ મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓ રાજ્ય સરકારની અડચણોને કારણે અટકી પડી છે. તેમણે સવાલ કર્યો કે જો ટીએમસીએ ભાજપનો વિરોધ કરવો હોય તો રાજકીય મેદાનમાં કરે, પરંતુ વિકાસના કામો રોકીને જનતાનું નુકસાન શા માટે? પીએમે બંગાળને 'જંગલરાજ'માંથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને રાજ્યમાં 'ડબલ એન્જિન'ની સરકાર બનાવવા માટે ભાજપને એક તક આપવાની અપીલ કરી.
રેલીમાં આવતા સમયે ટ્રેન અકસ્માતમાં ભાજપના ૪ કાર્યકરોના કરુણ મોતના સમાચાર સાંભળી પીએમ મોદી વ્યથિત થયા હતા. તેમણે સંબોધનમાં આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઉભી છે. તેમણે કહ્યું કે કાર્યકરોનું આ બલિદાન વ્યર્થ જશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
