હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NEETમાં નાપાસ છતાં ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું! સુપ્રીમ કોર્ટે 10 કોલેજોને ફટકાર્યો ₹100 કરોડનો દંડ, વિદ્યાર્થીઓ માટે 'સર્વિસ'ની અનોખી શરત
રાજસ્થાનની ડેન્ટલ કોલેજોએ નિયમો નેવે મૂકીને આપ્યા હતા પ્રવેશ; દંડના કરોડો રૂપિયા વૃદ્ધાશ્રમો અને નારી નિકેતનના ઉત્થાન માટે વપરાશે - સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી: ભારતીય તબીબી શિક્ષણના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની ૧૦ ખાનગી ડેન્ટલ કોલેજો પર કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. આ કોલેજોએ વર્ષ ૨૦૧૬-૧૭માં NEET (નીટ) પરીક્ષામાં નાપાસ થયેલા અથવા કટ-ઓફથી ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે BDS (ડેન્ટલ) કોર્સમાં પ્રવેશ આપ્યો હતો. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને વિજય બિશ્નોઈની બેન્ચે આ કૃત્યને શિક્ષણના ધોરણો સાથેની ગંભીર ચેડાં ગણાવી છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પ્રત્યેક સંડોવાયેલી કોલેજે ₹૧૦ કરોડ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવા પડશે. આ ઉપરાંત, આ ગંભીર બેદરકારીમાં છૂટછાટ આપવા બદલ રાજસ્થાન સરકારને પણ ₹૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ દંડની રકમ એટલે કે કુલ ₹૧૦૦ કરોડને ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે અને તેના વ્યાજનો ઉપયોગ રાજ્યના નારી નિકેતન, વૃદ્ધાશ્રમો અને બાળ સંભાળ કેન્દ્રોના વિકાસ માટે કરવામાં આવશે.
સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે જે વિદ્યાર્થીઓએ આ ગેરકાયદેસર પ્રવેશ છતાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તેમની ડિગ્રીને કોર્ટે રદ કરી નથી. જોકે, આ રાહત મફતમાં નથી મળી! આ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં સોગંદનામું આપવું પડશે કે ભવિષ્યમાં જ્યારે પણ દેશમાં કોઈ મહામારી, આપત્તિ કે કટોકટી જેવી સ્થિતિ સર્જાશે, ત્યારે તેઓએ રાજ્ય સરકારને પોતાની તબીબી સેવાઓ મફતમાં આપવી પડશે. આ એક પ્રકારનું 'સામાજિક વળતર' છે જે વિદ્યાર્થીઓએ તેમના ગેરકાયદે પ્રવેશના બદલામાં ચૂકવવું પડશે.
કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે મેડિકલ ક્ષેત્રમાં આવા પ્રવેશો ભવિષ્યના ડોક્ટરોની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે. જે વિદ્યાર્થીઓ ૯ વર્ષમાં પણ પોતાની ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી, તેમને તાત્કાલિક અસરથી કોર્સમાંથી હાંકી કાઢવાનો આદેશ અપાયો છે. આ ચુકાદો દેશની તમામ ખાનગી મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે એક લાલબત્તી સમાન છે કે જો તેઓ શિક્ષણના ધોરણો સાથે સમજૂતી કરશે, તો સુપ્રીમ કોર્ટ તેમને છોડશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
