હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર પર ભારતની દીકરીનો વિજય: કવિતા ચંદે માઉન્ટ વિન્સન સર કરીને રચ્યો ઇતિહાસ, હાડ થીજવતી ઠંડીમાં લહેરાવ્યો ત્રિરંગો
કોર્પોરેટ જગતની લાઈમલાઈટ છોડીને પર્વતારોહણ અપનાવ્યું; 'સેવન સમિટ' મિશન હેઠળ ૪૦ વર્ષની ઉંમરે કવિતાએ દુનિયાને બતાવી નારી શક્તિની તાકાત

અલ્મોડા (ઉત્તરાખંડ) : ઉત્તરાખંડના અલ્મોડાની પુત્રી કવિતા ચંદે સાત સમુદ્ર પાર એન્ટાર્કટિકાના સૌથી ઊંચા અને અતિ દુર્ગમ ગણાતા શિખર 'માઉન્ટ વિન્સન' (૪,૮૯૨ મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કરીને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ૨૦ ડિસેમ્બરના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર, કવિતાએ આ થીજી ગયેલા ખંડના સર્વોચ્ચ શિખર પર પહોંચીને ગર્વ સાથે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ સાથે જ તે ભારતની પ્રેરણાદાયી મહિલા પર્વતારોહકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
કવિતા ચંદ હાલમાં 'સેવન સમિટ' નામના અત્યંત કઠિન અભિયાન પર છે, જે અંતર્ગત તે વિશ્વના તમામ સાત ખંડોના સૌથી ઊંચા શિખરો સર કરવા માંગે છે. માઉન્ટ વિન્સન પહેલા તેણે યુરોપના સૌથી ઊંચા શિખર 'માઉન્ટ એલબ્રસ' પર પણ વિજય મેળવ્યો હતો. ૪૦ વર્ષીય કવિતા માટે આ સફળતા તેના મજબૂત મનોબળ અને અથાક પરિશ્રમનું પરિણામ છે, જેણે તેને શૂન્યથી નીચેના તાપમાન અને અતિશય વેગીલા પવનો સામે લડવાની શક્તિ આપી હતી.
કવિતાની સફર આશ્ચર્યજનક છે. તે પહેલા મીડિયા અને કોર્પોરેટ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતી, પરંતુ વર્ષ ૨૦૨૪માં તેણે પોતાની કોર્પોરેટ કારકિર્દીને અલવિદા કહી દીધું અને ફિટનેસ તથા પર્વતારોહણને જ પોતાનું જીવન બનાવી લીધું. પર્વતારોહણની સાથે તે એક ઉત્તમ મેરેથોન દોડવીર પણ છે અને તેણે મુંબઈ તથા દિલ્હી જેવી મેરેથોનમાં પણ અનેક મેડલ્સ જીત્યા છે. તેની આ સિદ્ધિ સાબિત કરે છે કે જો સપના મોટા હોય અને ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી.
માઉન્ટ વિન્સન પર ચઢવું એ કોઈપણ પર્વતારોહક માટે જીવન-મરણનો ખેલ હોય છે. ૩ ડિસેમ્બરે ભારતથી નીકળેલી કવિતાની આ સફર ચિલી અને યુનિયન ગ્લેશિયર થઈને માઉન્ટ વિન્સન બેઝ કેમ્પ સુધી પહોંચી હતી. પ્રખ્યાત ગાઇડ મિંગમા ડેવિડ શેરપાના નેતૃત્વમાં ૯ સભ્યોની ભારતીય ટીમે આ મિશન પાર પાડ્યું હતું. શિખર પર પહોંચ્યા બાદ કવિતાએ જણાવ્યું હતું કે, "ત્યાં ત્રિરંગો ફરકાવવો એ મારા જીવનની સૌથી યાદગાર અને ગર્વની ક્ષણ હતી. હું ઈચ્છું છું કે આ સિદ્ધિ દ્વારા દેશની તમામ કાર્યકારી મહિલાઓ પ્રેરણા લે કે તેઓ પણ પોતાના સપના પૂરા કરી શકે છે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
