કંગાળ પાકિસ્તાન માટે વિશ્વ બેંક બની 'તારણહાર': ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવવા ₹6270 કરોડનું તોતિંગ પેકેજ જાહેર, શું જનતાના દિવસો બદલાશે?
વૈશ્વિક દેવાના ડુંગર નીચે દબાયેલા પાકિસ્તાનને મળ્યો $700 મિલિયનનો ઓક્સિજન; સિંધ પ્રાંત અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે વપરાશે આ માતબર રકમ

ઈસ્લામાબાદ :ભયાનક આર્થિક સંકડામણ અને મોંઘવારીના મારથી પીડાતા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. શનિવારે (૨૦ ડિસેમ્બર) વિશ્વ બેંકે પાકિસ્તાનની સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા અને મેક્રોઇકોનોમિક સ્થિરતા લાવવા માટે $700 મિલિયન (આશરે ₹62,70,41,45,000) ની લોન મંજૂર કરી છે. આ સહાય વિશ્વ બેંકના 'પબ્લિક રિસોર્સિસ ફોર ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ' (PRID) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં જાહેર સેવાઓ અને નાણાકીય માળખું મજબૂત કરવાનો છે.
વિશ્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આ પેકેજમાંથી $600 મિલિયનનો મોટો હિસ્સો ફેડરલ (કેન્દ્રીય) કાર્યક્રમો માટે ફાળવવામાં આવશે, જ્યારે બાકીના $100 મિલિયનનો ઉપયોગ ખાસ કરીને સિંધ પ્રાંતમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે કરવામાં આવશે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ પંજાબમાં પ્રાથમિક શિક્ષણના સુધારા માટે વિશ્વ બેંકે ગ્રાન્ટ આપી હતી. આ નવી લોન દ્વારા પાકિસ્તાન સરકાર શાળાઓ, ક્લિનિક્સ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં રોકાણ કરી શકશે, તેવી આશા રાખવામાં આવી રહી છે.
વિશ્વ બેંકના પાકિસ્તાન ડાયરેક્ટર બોલોર્મા અમગાબઝારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાકિસ્તાને તેના આર્થિક વિકાસ માટે સ્થાનિક સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરવો પડશે. આ લોન માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ પાકિસ્તાનને પારદર્શક કર પ્રણાલી (Tax System) અને મજબૂત ડેટા મેનેજમેન્ટ તરફ દોરવાનો એક પ્રયાસ છે. વિશ્વ બેંક ઈચ્છે છે કે પાકિસ્તાન સરકાર આ નાણાંનો ઉપયોગ એવી રીતે કરે કે જેથી જાહેર જનતાનો સરકાર પર વિશ્વાસ વધે અને પાયાની સુવિધાઓમાં સુધારો થાય.
જોકે, જાણકારો માને છે કે પાકિસ્તાન માટે આ લોન માત્ર એક કામચલાઉ રાહત છે. દેશ પર વિદેશી દેવું એટલું વધી ગયું છે કે નવી લોનનો મોટો હિસ્સો જૂના દેવાના વ્યાજ ભરવામાં જ જતો રહે છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિયાસ અખ્તર હકે ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેના સંસ્થાકીય માળખાને મજબૂત નહીં કરે અને આર્થિક સુધારા નહીં લાવે, ત્યાં સુધી સ્થિરતા મેળવવી મુશ્કેલ છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન આ ₹6270 કરોડનો સાચો ઉપયોગ કરે છે કે ફરી ભ્રષ્ટાચારની ભેટ ચડી જાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
