<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બાંગ્લાદેશમાં 'ઇન્કિલાબ'ની ગર્જના: કોણ છે અબ્દુલ્લા અલ જાબેર જેણે યુનુસ સરકારની ઊંઘ ઉડાવી દીધી? હાદીની હત્યા બાદ ૨૪ કલાકનું આપ્યું અલ્ટીમેટમ!

શાહબાગમાં ઉમટશે માનવ મહેરામણ; ઉસ્માન હાદીના હત્યારાઓને પકડવા માટે સરકારને છેલ્લી ચેતવણી - બાંગ્લાદેશમાં ફરી લોહિયાળ સંઘર્ષના એંધાણ

ઢાકા : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પણ અશાંતિનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં ઇન્કિલાબ મંચના અગ્રણી નેતા ઉસ્માન હાદીની નિર્મમ હત્યા બાદ ઢાકાની ગલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ હિંસાની આગ વચ્ચે હવે એક નવું નામ ગાજી રહ્યું છે - અબ્દુલ્લા અલ જાબેર. ઇન્કિલાબ મંચના સભ્ય સચિવ જાબેરે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને ખુલ્લેઆમ ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપીને હચમચાવી દીધી છે.

અબ્દુલ્લા અલ જાબેર બાંગ્લાદેશના વિદ્યાર્થી રાજકારણનો એક ઉભરતો અને આક્રમક ચહેરો છે. તે 'ઇન્કિલાબ મંચ' નામના સંગઠન સાથે જોડાયેલો છે, જે દેશમાં લોકશાહી અધિકારો અને અભિવ્યક્તિની આઝાદી માટે લડવાનો દાવો કરે છે. જાબેર તેની તેજાબી વાણી અને યુવાનો પરના પ્રભાવ માટે જાણીતો છે. ઉસ્માન હાદીની હત્યા બાદ જાબેરે સરકાર સામે મોરચો માંડ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ હવે માત્ર શોક સભા નથી, પણ અન્યાય સામેનું યુદ્ધ છે.
જાબેરે સમર્થકોને હાકલ કરી છે કે હાદીના અંતિમ સંસ્કાર બાદ તમામ લોકો ઢાકાના ઐતિહાસિક શાહબાગ વિસ્તારમાં એકત્રિત થાય. શાહબાગ એ બાંગ્લાદેશના રાજકારણમાં ક્રાંતિનું પ્રતીક મનાય છે. જાબેરે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "હત્યાને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં પ્રશાસન મૌન છે. જો ૨૪ કલાકમાં હત્યારાઓના નામ જાહેર કરવામાં નહીં આવે અને તેમની ધરપકડ નહીં થાય, તો આ આંદોલન આખા દેશમાં જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે."
એક તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કટ્ટરપંથી સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેનો આ આંતરિક સંઘર્ષ યુનુસ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. ઢાકામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો જાબેરનું આ અલ્ટીમેટમ હિંસક રૂપ લેશે, તો બાંગ્લાદેશ ફરી એકવાર અરાજકતાના ગરતામાં ધકેલાઈ શકે છે

(11:28 PM IST)