<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

યુપીમાં બુલડોઝર રાજ પર રાજકીય જંગ: "શું બાબાના બુલડોઝરને ઠંડી લાગી ગઈ છે?", કફ સિરપ કૌભાંડ મુદ્દે અજય રાયે સીટી વગાડી યોગી સરકારને ઘેરી!

વારાણસીમાં હાથમાં 'બુલડોઝર' લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો અનોખો વિરોધ; મુખ્ય આરોપી વિદેશમાં જલસા કરે છે અને સરકાર ચૂપ કેમ? - અજય રાયના આકરા સવાલો

વારાણસી :ઉત્તર પ્રદેશમાં નાર્કોટિક કફ સિરપ કૌભાંડે રાજકીય તોફાન ઉભું કર્યું છે. વારાણસીમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયે યોગી સરકાર પર આકરા પ્રહારો કરતા પૂછ્યું હતું કે, જે બુલડોઝર અત્યાર સુધી ગાજતું હતું તે હવે ક્યાં ગાયબ થઈ ગયું છે? તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "શું બાબાના બુલડોઝરને ઠંડી લાગી ગઈ છે કે તે હવે ચાલતું નથી?" અજય રાયે પોતાની કેમ્પ ઓફિસમાં પ્રતીકાત્મક બુલડોઝર હાથમાં પકડી અને સીટી વગાડીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અજય રાયે આક્ષેપ કર્યો હતો કે યોગી સરકારમાં કાયદાનો ઉપયોગ માત્ર 'પસંદગીના' લોકો અને વિપક્ષના અવાજો દબાવવા માટે જ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે સામાન્ય જનતા કે વિરોધ પક્ષના નેતાઓની વાત હોય ત્યારે બુલડોઝર તરત નીકળી પડે છે, પરંતુ જ્યારે મોટા માફિયાઓ અને કૌભાંડીઓની હવેલીઓ તોડવાની વાત આવે છે ત્યારે તંત્ર કેમ લાચાર બની જાય છે? તેમણે પૂછ્યું કે ગુનેગારો સામે આ બુલડોઝર હવે કેમ શક્તિહીન સાબિત થઈ રહ્યું છે.
કફ સિરપ કૌભાંડની વિગતો આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ હાલમાં વિદેશમાં બેસીને સોશિયલ મીડિયા પર સક્રિય છે, તેમ છતાં સરકાર તેને પકડવા માટે કોઈ નક્કર પગલાં લેતી નથી. તેમણે ગોવાના લુથરા બંધુઓનું ઉદાહરણ આપતા કહ્યું કે જો તેમને થાઈલેન્ડથી પકડીને ભારત લાવી શકાતા હોય, તો આ કેસના આરોપીને કેમ નહીં? વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રમાં જ આવું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવા છતાં સરકારની સંવેદનશીલતા પર તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
અજય રાયે સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, તેમના બેંક ખાતાઓની તપાસ અને ગેરકાયદેસર કમાણીથી ઉભી કરેલી મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની માંગનો સમાવેશ થાય છે. તેમણે પૂર્વ IPS અમિતાભ ઠાકુર સાથે થયેલા ગેરવર્તણૂકની પણ નિંદા કરી હતી. અજય રાયે ચેતવણી આપી છે કે જો સરકાર આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં કરે, તો કોંગ્રેસ રસ્તાથી લઈને વિધાનસભા સુધી ઉગ્ર આંદોલન કરશે

(12:14 AM IST)