હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માયાવતીના નીતીશ કુમાર પર તીખા પ્રહાર: "મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવો એ શરમજનક ઘટના, મુખ્યમંત્રીએ હવે પસ્તાવો કરવો જોઈએ!"
બિહારના હિજાબ વિવાદથી લઈને યુપીમાં પોલીસ સલામી સુધી બસપા સુપ્રીમોની 'ગર્જના'; કહ્યું- "મહિલાઓના ગૌરવ સાથે રમત કરનાર મંત્રીઓએ વિવાદ વધાર્યો, હવે નીતીશ પોતે મામલો થાળે પાડે."

લખનૌ : બહુજન સમાજ પાર્ટી (BSP) ના વડા માયાવતીએ આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બિહારમાં નિમણૂક પત્રોના વિતરણ દરમિયાન એક મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ઉતારવાના મામલે માયાવતીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ ઘટનાને અત્યંત 'દુર્ભાગ્યપૂર્ણ' અને 'દુઃખદ' ગણાવીને નીતીશ કુમારને સલાહ આપી છે કે હવે તેમણે આ મામલે પસ્તાવો કરીને વિવાદનો કાયમી અંત લાવવો જોઈએ.
માયાવતીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, આ મામલો માત્ર એક પહેરવેશનો નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા અને તેમના આત્મસન્માન સાથે જોડાયેલો છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીના સીધા હસ્તક્ષેપથી આ વિવાદ અત્યાર સુધીમાં ઉકેલાઈ જવો જોઈતો હતો, પરંતુ જે પ્રકારે સરકારના મંત્રીઓએ નિવેદનો આપ્યા તેનાથી આગમાં ઘી હોમાયું છે. નીતીશ કુમાર એક વરિષ્ઠ નેતા હોવાને નાતે તેમણે પિતા સમાન ભૂમિકા ભજવીને આ મુદ્દાનું રાજનીતિકરણ અટકાવવું જોઈતું હતું.
માયાવતીએ માત્ર બિહાર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બનેલી એક ઘટના પર પણ રાજ્ય સરકારને ઘેરી હતી. બહરાઇચમાં પોલીસ પરેડ દરમિયાન એક વાર્તાકારને સલામી આપવામાં આવી હોવાના અહેવાલ પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો. માયાવતીએ કહ્યું કે, "પોલીસ પરેડ અને સલામીની પોતાની એક ગરિમા, પરંપરા અને શિસ્ત હોય છે. કોઈ પણ વ્યક્તિને આવી રીતે સલામી આપીને પોલીસના શિષ્ટાચાર સાથે સમાધાન ન કરવું જોઈએ." તેમણે યુપીના પોલીસ મહાનિર્દેશકને આ બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
બસપા સુપ્રીમોએ વિધાનસભા અને સંસદના શિયાળુ સત્રના વલણની પણ આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર જનતાના મુખ્ય મુદ્દાઓ જેવા કે ખેડૂતોને ખાતરની અછત અને વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરવાને બદલે ધ્યાન ભટકાવી રહી છે. આ ઉપરાંત, બાંગ્લાદેશમાં વધી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે કેન્દ્ર સરકારને કડક અને લાંબા ગાળાની નીતિ બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી. માયાવતીના આ નિવેદનોએ આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાના સંકેતો આપ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
