<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ઈસરોનું ‘સુપરફાસ્ટ’ પરીક્ષણ: ગગનયાન મિશન માટે હાઈ-સ્પીડ ટ્રેક પર રોકેટ સ્લેડની મદદથી પેરાશૂટનું ટેસ્ટિંગ, અવકાશયાત્રીઓની સુરક્ષા માટે રચાયું 'અભેદ્ય કવચ'!

ચંદીગઢમાં ૧૦ પેરાશૂટની જટિલ સિસ્ટમનું સફળ પરીક્ષણ; પૃથ્વી પર પાછા ફરતી વખતે ક્રૂ-મોડ્યુલની ગતિને કાબૂમાં રાખશે આ ખાસ 'ડ્રોગ પેરાશૂટ' – જાણો રેલવે ટ્રેક સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ભારતના પ્રથમ માનવ સંહિત અંતરિક્ષ મિશન 'ગગનયાન' ની સફળતા તરફ એક મોટી હરણફાળ ભરી છે. ૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ ચંદીગઢ ખાતે ઈસરોએ ગગનયાનના 'ડ્રોગ પેરાશૂટ'નું સફળ પરીક્ષણ હાથ ધર્યું હતું. આ પરીક્ષણની સૌથી ખાસ વાત એ હતી કે તે કોઈ રોકેટમાં નહીં, પરંતુ જમીન પર રહેલા 'રેલ ટ્રેક રોકેટ સ્લેડ' (RTRS) સુવિધા પર કરવામાં આવ્યું હતું, જે વાસ્તવિક ઉડાન જેવી ભયાનક ગતિ અને પરિસ્થિતિઓ પેદા કરવામાં સક્ષમ છે.

જ્યારે આપણે રેલવે ટ્રેકનું નામ સાંભળીએ ત્યારે ટ્રેનની કલ્પના આવે, પરંતુ ઈસરોએ આ ટ્રેકનો ઉપયોગ વિજ્ઞાનના સૌથી અઘરા પરીક્ષણ માટે કર્યો છે. ગગનયાન મિશનનો સૌથી પડકારજનક ભાગ અવકાશયાત્રીઓનું પૃથ્વી પર સુરક્ષિત પુનરાગમન છે. જ્યારે ક્રૂ મોડ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે, ત્યારે તેની ગતિ એટલી પ્રચંડ હશે કે તેને નિયંત્રિત કરવી અશક્ય જેવી લાગે. આ સમયે 'ડ્રોગ પેરાશૂટ' સક્રિય થશે, જે મોડ્યુલને સ્થિર કરશે અને તેની ઝડપને એટલી હદે ઘટાડશે કે મુખ્ય પેરાશૂટ સુરક્ષિત રીતે ખુલી શકે.
ગગનયાનની લેન્ડિંગ સિસ્ટમમાં કુલ ૧૦ પેરાશૂટનું જટિલ માળખું છે. આ પ્રક્રિયા ચાર તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા 'એપેક્સ કવર સેપરેશન' પેરાશૂટ કવચને દૂર કરે છે, ત્યારબાદ બે 'ડ્રોગ પેરાશૂટ' મોડ્યુલની ગતિ ધીમી કરે છે. ત્યારપછી ત્રણ 'પાયલોટ પેરાશૂટ' નીકળે છે અને છેલ્લે ત્રણ મુખ્ય પેરાશૂટ ખુલે છે, જે મોડ્યુલને સમુદ્ર કે જમીનની સપાટી પર હળવેથી ઉતારે છે. આ પરીક્ષણ સાબિત કરે છે કે ઈસરો અવકાશયાત્રીઓની સુરક્ષા માટે કોઈપણ જોખમ લેવા તૈયાર નથી.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને DRDO ના સહયોગથી કરવામાં આવેલું આ પરીક્ષણ ભારતની એન્જિનિયરિંગ કુશળતાનું પ્રમાણ છે. હાઈ-સ્પીડ રોકેટ સ્લેડનો ઉપયોગ કરીને ઈસરોએ એ સુનિશ્ચિત કર્યું છે કે પેરાશૂટ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ફાટશે નહીં કે ખરાબ થશે નહીં. આ સફળતા સાથે ભારત તેના પ્રથમ માનવ મિશન માટે ટેકનિકલ રીતે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે ભારતીય અવકાશયાત્રીઓ અવકાશમાં ભારતનો તિરંગો લહેરાવી સુરક્ષિત રીતે ધરતી પર પરત ફરશે

(12:18 AM IST)