<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અમેરિકાની 'દરિયાઈ દાદાગીરી': વેનેઝુએલાના દરિયાકાંઠેથી વધુ એક ઓઈલ ટેન્કર જપ્ત કરતાં યુદ્ધના ભણકારા

અમેરિકાએ આ કાર્યવાહીને 'નાર્કો-ટેરરિઝમ' (નશાખોરી અને આતંકવાદ) સામેની લડાઈ ગણાવી: તો વેનેઝુએલાએ તેને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' અને 'ખુલ્લી લૂંટ' ગણાવી

વોશિંગ્ટન/કારાકાસ: અમેરિકી નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે વેનેઝુએલાના દરિયાકાંઠેથી વધુ એક તેલ ટેન્કર જપ્ત કરતાં દક્ષિણ અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ આ કાર્યવાહીને 'નાર્કો-ટેરરિઝમ' (નશાખોરી અને આતંકવાદ) સામેની લડાઈ ગણાવી છે, જ્યારે વેનેઝુએલાએ તેને 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી' અને 'ખુલ્લી લૂંટ' ગણાવી યુએન સુરક્ષા પરિષદમાં જવાની ચીમકી આપી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલા સામે જાહેર કરવામાં આવેલી 'સંપૂર્ણ નાકાબંધી' બાદ સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. યુએસ કોસ્ટ ગાર્ડ અને પેન્ટાગોને એક સંયુક્ત ઓપરેશનમાં વેનેઝુએલાના બંદર પર લાંગરેલા એક વિશાળ ઓઈલ ટેન્કરને વહેલી સવારે જપ્ત કરી લીધું છે.

અમેરિકાનો પક્ષ: આતંકવાદ સામેની કાર્યવાહી

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ચીફ ક્રિસ્ટી નોએમે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "આ ટેન્કર ગેરકાયદેસર રીતે તેલની હેરફેર કરી રહ્યું હતું. આ કાળાબજારના તેલના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ડ્રગ્સ માફિયાઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હતો." અમેરિકી દળોએ હેલિકોપ્ટર દ્વારા આ જહાજ પર ઉતરીને તેને પોતાના કબજામાં લીધું હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે.

 

વેનેઝુએલાનો રોષ: 'આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી'

વેનેઝુએલાના ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે આ ઘટના પર આકરા પ્રહાર કરતા તેને 'આંતરરાષ્ટ્રીય લૂંટ' ગણાવી છે. તેમણે જણાવ્યું કે, "અમેરિકા વારંવાર આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ ગુનાહિત કૃત્યને દુનિયા માફ નહીં કરે." 

 

વેનેઝુએલા સરકારે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની અને આંતરરાષ્ટ્રીય મંચો પર અમેરિકાને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

 

તણાવનું કારણ: ટ્રમ્પની નાકાબંધી

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૦મી ડિસેમ્બરે પણ અમેરિકાએ 'સ્કીપર' નામનું ટેન્કર જપ્ત કર્યું હતું. પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાના શાસનને આતંકવાદી સંગઠન સાથે સરખાવીને તેના તમામ ઓઈલ શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તાજેતરની કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પણ ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

 

નિષ્ણાતોના મતે, જો અમેરિકા આ રીતે ટેન્કરો જપ્ત કરવાનું ચાલુ રાખશે તો વેનેઝુએલા તેનું સૈન્ય મેદાનમાં ઉતારી શકે છે, જે કેરેબિયન સમુદ્રમાં મોટા લશ્કરી સંઘર્ષમાં પરિણમી શકે છે. રશિયા અને ચીન જેવા દેશો પણ આ મામલે વેનેઝુએલાના સમર્થનમાં આવે તેવી શક્યતા છે.

(10:04 AM IST)