<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

મણિપુરમાં નશાના સોદાગરો પર સર્જિકલ સ્ટ્રાઈક: ૬૦૦ એકર ખસખસનું વાવેતર અને ૬૪ અડ્ડાઓ ફૂંકી માર્યા

ડ્રગ્સ વિરુદ્ધના યુદ્ધમાં મણિપુર પોલીસ અને આસામ રાઈફલ્સની સૌથી મોટી કાર્યવાહી, સેનાપતિથી ઉખરુલ સુધીના પહાડોમાં ચાલતા અફીણના કાળા કારોબારનો સફાયો, લાખોની કિંમતના ખેતીના સાધનો અને કેમિકલ્સનો નાશ

 ઇમ્ફાલ (મણિપુર): મણિપુરના પહાડી વિસ્તારોમાં નશાની ખેતી કરતા માફિયાઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યના ઉત્તરીય આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા આ વ્યાપક અભિયાનમાં અંદાજે ૬૦૦ એકર જમીન પર ફેલાયેલા ગેરકાયદે ખસખસ (અફીણ) ના વાવેતરનો સફાયો કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસ, આસામ રાઈફલ્સ, સીઆરપીએફ અને વન વિભાગની સંયુક્ત ટીમોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ચઢીને આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઉભા કરવામાં આવેલા ૬૪ જેટલા ઝૂંપડાઓ અને અડ્ડાઓને પણ સ્થળ પર જ સળગાવી દેવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોની આ સંયુક્ત ટીમે સેનાપતિ જિલ્લાની કાંગજુંગ પર્વતમાળા અને કાંગપોકપી જિલ્લાના લોઇબોલ ખુલ્લેન ગામમાં ભારે તબાહી મચાવી હતી. અહીં ડઝનબંધ એકરમાં ફેલાયેલા વાવેતરને નષ્ટ કરવાની સાથે ખેતીમાં વપરાતા હર્બિસાઇડ્સ, સ્પ્રે પંપ અને પાઇપોનો નાશ કર્યો હતો. કાંગપોકપીના કોટલેન ગામની ટેકરીઓમાં થયેલી કાર્યવાહીમાં માત્ર પાક જ નહીં, પણ ખાતરની થેલીઓ અને રાઉન્ડઅપ હર્બિસાઇડ જેવી કેમિકલ સામગ્રી પણ જપ્ત કરી સ્થળ પર જ નષ્ટ કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના ઉત્પાદન માટેના માળખાગત સુવિધાઓને જ નેસ્તનાબૂદ કરવાનો હતો.

ઉખરુલ જિલ્લામાં આ અભિયાન સૌથી વધુ આક્રમક જોવા મળ્યું હતું, જ્યાં એકલા જ આશરે ૪૩૬ એકર વિસ્તારમાં ફેલાયેલા અફીણના વાવેતરનો નાશ કરવામાં આવ્યો હતો. સોમદાલ અને લિટન હિલ્સ જેવા વિસ્તારોમાં સુરક્ષા દળોએ ૫૧ જેટલા ઝૂંપડાઓને આગને હવાલે કર્યા હતા, જેનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ માલ સંગ્રહવા અને રહેવા માટે કરતા હતા. લામલાઈ ચિંગફેઈ અને થવાઈ કુકી પર્વતમાળાઓમાં પણ ૧૧૩ એકરથી વધુ વાવેતરનો સફાયો કરવામાં આવ્યો હતો. આ પહાડી વિસ્તારોમાં ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા દળોની નજરથી બચવા માટે ઊંચાઈ પર ખેતી કરતા હતા, પરંતુ ડ્રોન ટેકનોલોજી અને ગુપ્ત માહિતીને કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મણિપુર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ' (War on Drugs) અભિયાન હેઠળની આ મોટી સફળતા માનવામાં આવે છે. આ ઓપરેશનથી નશાના કાળા કારોબારમાં જોડાયેલા તત્વોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. પહાડી જિલ્લાઓમાં અફીણની ખેતી રોકવા માટે સરકાર હવે ખેડૂતોને વૈકલ્પિક ખેતી તરફ વાળવા માટે પણ પ્રયાસ કરી રહી છે. હાલમાં પણ આસામ રાઈફલ્સ અને પોલીસની ટીમો અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી રાજ્યને નશામુક્ત બનાવી શકાય.

 

(12:06 PM IST)