<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

દેશદ્રોહ અને ડ્રગ્સનું ખતરનાક કોમ્બિનેશન: પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભાગેડુ આર્મી જવાન નેપાળ સરહદેથી ઝડપાયો

સેનાની ગુપ્ત વિગતોના બદલામાં પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી મેળવતો હતો હેરોઈન, યુરોપ ભાગી જવાની ફિરાકમાં રહેલા રાજબીર સિંહ પાસેથી હેન્ડ ગ્રેનેડ અને નશીલા પદાર્થો જપ્ત

મોતિહારી : બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રક્સૌલ સેક્ટરમાંથી સુરક્ષા એજન્સીઓએ એક મોટી સફળતા મેળવી છે. ભારતીય સેનાનો એક ભાગેડુ જવાન, જે પાકિસ્તાન માટે જાસૂસી અને ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) અને બિહાર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ જવાન ત્યારે ઝડપાયો જ્યારે તે નેપાળ થઈને વિદેશ ભાગી જવાની પેરવીમાં હતો. તેની પાસેથી ૫૦૦ ગ્રામ હેરોઈન અને એક જીવતો હેન્ડ ગ્રેનેડ મળી આવતા સુરક્ષા એજન્સીઓના કાન ઉભા થઈ ગયા છે.

ધરપકડ કરાયેલા આરોપીનું નામ રાજબીર સિંહ છે, જે ૨૦૧૧માં ભારતીય સેનામાં જોડાયો હતો. ૨૦૨૨માં સોશિયલ મીડિયાના માધ્યમથી તે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં આવ્યો હતો. હેરોઈન મેળવવાની લાલચમાં તેણે સેનાની અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓ દુશ્મન દેશ સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૫માં જ્યારે તેની જાસૂસી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો અને સત્તાવાર ગુપ્તતા અધિનિયમ (Official Secrets Act) હેઠળ કેસ નોંધાયો, ત્યારે તે સેના છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે નેપાળમાં આશરો લઈને બેઠો હતો અને ત્યાંથી પંજાબમાં નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતો હતો.

મોતિહારી એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે રાજબીર સિંહના તાર સીધા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા છે. તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ તેને નેપાળના રસ્તે યુરોપ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા, જેથી તે ભારતીય કાયદાના સકંજામાંથી બચી શકે. તે નેપાળ અને પંજાબ વચ્ચે સતત અવરજવર કરીને ડ્રગ્સની ખેપ પહોંચાડતો હતો. તેની ધરપકડ બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પંજાબ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા થતા 'હની ટ્રેપ' અથવા આર્થિક લાલચ આપીને જવાનોને ગુમરાહ કરવાના પાકિસ્તાની પેંતરાઓને ખુલ્લા પાડ્યા છે. એક સૈનિક જેણે દેશની રક્ષાની કસમ ખાધી હતી, તે જ દેશની સુરક્ષા સામે જોખમ ઉભું કરતો ઝડપાતા સેનામાં પણ ખળભળાટ મચ્યો છે. એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજબીરે અત્યાર સુધીમાં સેનાની કઈ કઈ મહત્વની વિગતો પાકિસ્તાનને પહોંચાડી છે અને તેની સાથે અન્ય કયા લોકો આ જાસૂસી નેટવર્કમાં સામેલ છે.

(12:24 PM IST)