<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અમેરિકાની સ્થિતિ પર મોટું નિવેદન: અમેરિકામાં 'ગ્લોબલ ખિલાફત'નું ષડયંત્ર? તુલસી ગબાર્ડ ચેતવ્યા - "કટ્ટર ઇસ્લામિક વિચારધારા આપણી આઝાદી માટે સૌથી મોટો ખતરો"

એરિઝોનામાં 'ટર્નિંગ પોઈન્ટ યુએસએ' ફેસ્ટ.માં તુલસી ગબાર્ડનો ધડાકો: કહ્યું, આ કોઈ ધર્મ નહીં પણ રાજકીય એજન્ડા છે * અમેરિકાના મિશિગન, મિનેસોટા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં કટ્ટરપંથીઓ યુવાનોની ભરતી કરી રહ્યા હોવાનો દાવો * "જો આપણે યુરોપ જેવું ન થવું હોય તો જાગવું પડશે," જર્મની અને બ્રિટનના ઉદાહરણો આપી ચેતવણી આપી

વોશિંગ્ટન/એરિઝોના: અમેરિકાના રાજકારણમાં હંમેશા સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા તુલસી ગબાર્ડે ફરી એકવાર કટ્ટરવાદ મુદ્દે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. એરિઝોનામાં યોજાયેલા 'ટર્નિંગ પોઈન્ટ યુએસએ' અમેરિકા ફેસ્ટને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઇસ્લામિક વિચારધારા હવે માત્ર વિદેશો પૂરતી સીમિત નથી, પરંતુ તેના મૂળિયાં અમેરિકાની અંદર સુધી પહોંચી ગયા છે.

'આ ધાર્મિક આસ્થા નહીં, રાજકીય વિચારધારા છે'

 

ગબાર્ડે પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, "આ કોઈ ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ એક કટ્ટર રાજનૈતિક વિચારધારા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શરીયતના કાયદા અંતર્ગત 'વૈશ્વિક ખિલાફત' સ્થાપિત કરવાનો છે." તેમણે ચેતવણી આપી હતી કે આ વિચારધારા અમેરિકાના પશ્ચિમી લોકતાંત્રિક મૂલ્યો અને વ્યક્તિગત સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

 

અમેરિકન શહેરોમાં 'ભરતી કેન્દ્રો'?

સૌથી ચોંકાવનારો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, અમેરિકાના ડિયરબોર્ન (મિશિગન) અને મિનિયાપોલિસ (મિનેસોટા) જેવા વિસ્તારોમાં ઇસ્લામિક મૌલવીઓ જાહેરમાં આ વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલું જ નહીં, ન્યુ જર્સીના પેટરસન અને ટેક્સાસના હ્યુસ્ટનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અહીં યુવાનોને કટ્ટરપંથ તરફ ધકેલવાનું કામ ચાલી રહ્યું છે.

 

યુરોપ જેવી સ્થિતિનું નિર્માણ?

તુલસી ગબાર્ડે જર્મની અને બ્રિટનનું ઉદાહરણ આપતા કહ્યું કે, જો અમેરિકા સમયસર નહીં જાગે તો તેણે પણ યુરોપ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. જર્મનીમાં ક્રિસમસ માર્કેટ બંધ કરવા પડી રહ્યા છે અને બ્રિટનમાં રસ્તા પર મૌન પ્રાર્થના કરવા બદલ લોકોની ધરપકડ થઈ રહી છે, તે અત્યંત ચિંતાજનક છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે અસંમતિના અવાજને દબાવવા માટે હિંસા અને સેન્સરશીપનો ઉપયોગ કરતા તત્વો સામે અવાજ ઉઠાવવો પડશે.

 

___

 

*યુપીમાં કરુણાંતિકા: યોગી સરકારના મંત્રી બેબી રાની મૌર્યના ભાઈનું સરકારી હોસ્પિટલની લાઈનમાં ઉભા-ઉભા મોત: તંત્રમાં હડકંપ*

 

*આગ્રા જિલ્લા હોસ્પિટલમાં શનિવારે બનેલી આઘાતજનક ઘટના: છાતીમાં દુખાવા છતાં દર્દીએ લાઈનમાં ઉભા રહેવું પડ્યું * મંત્રીના ભાઈ ઉમેશ કુમાર સામાન્ય નાગરિકની જેમ સ્કૂટર લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, બ્લડ સેમ્પલની લાઈનમાં ઢળી પડ્યા * ઈસીજીમાં હાર્ટ એટેક પકડાયો નહીં, બાદમાં બ્લડ ટેસ્ટ માટે જતા દુર્ઘટના બની: મંત્રીએ પોતે ભાઈના મોતના સમાચાર આપ્યા*

 

આગ્રા/લખનૌ: ઉત્તર પ્રદેશમાં આરોગ્ય વ્યવસ્થાની પોલ ખોલતી અને અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી (મહિલા કલ્યાણ અને બાળ વિકાસ) બેબી રાની મૌર્યના સગા ભાઈ ઉમેશ કુમારનું આગ્રાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટેની લાઈનમાં ઉભા હતા ત્યારે જ મોત નીપજ્યું છે.

 

શનિવારે સવારે ઉમેશ કુમારને અચાનક ગભરામણ અને પેટમાં વધુ પડતા દુખાવાની ફરિયાદ થઈ હતી. તેઓ કોઈ વીઆઈપી પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ જાતે જ સ્કૂટર ચલાવીને આગ્રા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડોક્ટરે તેમનું બ્લડ પ્રેશર તપાસ્યું અને અલ્ટ્રાસાઉન્ડ, ઇસીજી તથા બ્લડ ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું.

 

ઇસીજી માં પકડાયું નહીં અને લાઈનમાં જીવ ગયો

હોસ્પિટલના ડોક્ટરોએ તેમનો ઇસીજી કર્યો હતો, પરંતુ તેમાં હાર્ટ એટેકના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હતા. આથી, ડોક્ટરોએ તેમને લોહીની તપાસ (બ્લડ ટેસ્ટ) કરાવવા માટે મોકલ્યા હતા. ઉમેશ કુમાર બ્લડ સેમ્પલ આપવા માટે દર્દીઓની લાઈનમાં ઉભા હતા, ત્યારે જ અચાનક તેમની તબિયત લથડી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

 

તંત્રમાં દોડધામ

તેઓ લાઈનમાં પડતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક ઉંચકીને સારવાર માટે ખસેડાયા હતા અને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. આ ઘટના બાદ સમગ્ર મેડિકલ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. 

 

મોડી સાંજે મંત્રી બેબી રાની મૌર્યએ પોતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી અને તાજગંજ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ડોક્ટરોનું પ્રાથમિક તારણ છે કે તેમને 'સાઈલન્ટ હાર્ટ એટેક' આવ્યો હોવો જોઈએ.

 

(12:53 PM IST)