<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

સામાન્ય જનતાના ખિસ્સા પર રેલવેનો માર : ૨૬ ડિસેમ્બરથી રેલ ભાડામાં વધારો : લાંબી મુસાફરી થશે મોંઘી

જનરલ શ્રેણીમાં ૧ પૈસો અને મેલ-એક્સપ્રેસના નોન-એસી તથા એસી કોચમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો : પટનાથી દિલ્હીની મુસાફરી માટે હવે ૨૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે : રેલવેને વાર્ષિક ૬૦૦ કરોડની વધારાની આવકનો અંદાજ

નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા રેલ મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો આપતા ભાડામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ નવું ભાડું આગામી ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે. રેલવેના આ નિર્ણયની સૌથી વધુ અસર લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓ પર પડશે, જોકે ટૂંકા અંતરના મુસાફરો અને માસિક સીઝન ટિકિટ (MST) ધારકોને આ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ભાડામાં વધારાનું ગણિત:
રેલવે દ્વારા જારી કરાયેલા નવા દરો મુજબ, સાધારણ શ્રેણી (General Class) માં ૨૧૫ કિલોમીટરથી વધુની મુસાફરી કરવા પર પ્રતિ કિલોમીટર ૧ પૈસો વધારાનો ચૂકવવો પડશે. જ્યારે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે નોન-એસી અને એસી, બંને શ્રેણીમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
મુસાફરી પર કેવી અસર પડશે?
દાખલા તરીકે, પટનાથી દિલ્હી વચ્ચેનું અંતર અંદાજે ૧૦૦૦ કિલોમીટર છે. આ નવા વધારા બાદ હવે પ્રવાસીઓએ જન સાધારણ એક્સપ્રેસમાં ૧૦ રૂપિયા વધુ, જ્યારે સંપૂર્ણ ક્રાંતિ, વંદે ભારત અને રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે ૨૦ રૂપિયા વધારાના ખર્ચવા પડશે. જો કોઈ મુસાફર ૫૦૦ કિમીની મુસાફરી કરે છે, તો તેને અગાઉ કરતા અંદાજે ૧૦ રૂપિયા વધુ ભાડું લાગશે.
રેલવેનો તર્ક અને આર્થિક પાસું:
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં રેલવે નેટવર્ક અને કામગીરીમાં મોટો વિસ્તાર થયો છે. સુરક્ષાના ધોરણો અને સંચાલન ખર્ચમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રેલવેનો કુલ સંચાલન ખર્ચ ૨.૬૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેમાં મેનપાવર ખર્ચ ૧.૧૫ લાખ કરોડ અને પેન્શન ખર્ચ ૬૦ હજાર કરોડ રૂપિયા છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે રેલવે 'ભાડાના સીમિત યુક્તિકરણ' પર ભાર મૂકી રહ્યું છે. આ વધારાથી ચાલુ નાણાકીય વર્ષમાં રેલવેને અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શક્યતા છે.
કોને રાહત મળશે?
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ૨૧૫ કિલોમીટર સુધીની સાધારણ શ્રેણીની મુસાફરી પર કોઈ ભાડું વધારવામાં આવ્યું નથી. આ ઉપરાંત સબર્બન સેવાઓ અને માસિક સીઝન ટિકિટ (MST) ના દરોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે દૈનિક મુસાફરો માટે રાહતના સમાચાર છે.
નોંધનીય છે કે આ વર્ષે ૧ જુલાઈના રોજ પણ રેલવેએ ભાડામાં વધારો કર્યો હતો. આમ, એક વર્ષમાં જ ભાડામાં કુલ ૨ થી ૩ પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

(1:37 PM IST)