<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અલ્ટ્રાટેક સિમેન્ટ પર ટેક્સનો 'પહાડ' તૂટ્યો: રૂ.782 કરોડની ફટકારથી સોમવારે રોકાણકારોમાં ફફડાટ

પટના GST કમિશનરની મોટી કાર્યવાહી; નાણાકીય વર્ષ 2018-23 દરમિયાન ટેક્સની ઓછી ચુકવણી અને ITCના દુરુપયોગ બદલ દંડ સાથે નોટિસ, કંપનીના ત્રિમાસિક નફાના 60% થી વધુ રકમની માંગથી શેરબજારમાં ગાબડાની આશંકા

મુંબઈ: ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) માટે આગામી સપ્તાહ કસોટીભર્યું સાબિત થઈ શકે છે. પટના સ્થિત સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (CGST) અને સેન્ટ્રલ એક્સાઇઝના જોઈન્ટ કમિશનરે કંપનીને વ્યાજ અને દંડ સહિત કુલ રૂ.782 કરોડની ટેક્સ નોટિસ ફટકારી છે. આ આંચકો એવા સમયે આવ્યો છે જ્યારે શેરબજારમાં સિમેન્ટ સેક્ટર પર નજર છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, આ આદેશ નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23 દરમિયાન GSTની કથિત ઓછી ચુકવણી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા ઉપયોગને લગતો છે.

આ ટેક્સ નોટિસની રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ રકમ અલ્ટ્રાટેક સિમેન્ટના સપ્ટેમ્બર 2025 ના ક્વાર્ટરના રૂ.1,232 કરોડના ચોખ્ખા નફાના લગભગ બે-તૃતીયાંશ (આશરે 60% થી વધુ) ભાગ જેટલી છે. ટેક્સની મૂળ રકમ રૂ.390.95 કરોડ છે, જેની સામે તેટલી જ રકમનો દંડ અને વ્યાજ વસૂલવાની સૂચના અપાઈ છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે ઓર્ડર પસાર કરતી વખતે તેમણે રજૂ કરેલા દસ્તાવેજો અને વિગતોને ધ્યાનમાં લેવામાં આવી નથી, જેના કારણે રોકાણકારોમાં સોમવારે શેરના ભાવને લઈને ચિંતા જોવા મળી રહી છે.
રૂ.કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ આદેશ સામે કાનૂની લડાઈ લડશે અને ઉપલી અદાલતમાં અપીલ કરવા સહિતના તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. અલ્ટ્રાટેક મેનેજમેન્ટનું કહેવું છે કે આ નોટિસની કંપનીના રોજિંદા સંચાલન અથવા નાણાકીય સ્થિરતા પર કોઈ તાત્કાલિક અસર પડશે નહીં. નોંધનીય છે કે, અલ્ટ્રાટેકને તાજેતરમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના નોઈડા ટેક્સ અધિકારીઓ પાસેથી પણ લાખો રૂપિયાની ટેક્સ નોટિસ મળી હતી, જે દર્શાવે છે કે કંપની હાલ ટેક્સ સત્તાવાળાઓની કડક દેખરેખ હેઠળ છે.

રોકાણકારો માટે સોમવારનો દિવસ મહત્વનો રહેશે, કારણ કે શુક્રવારે શેર રૂ.11,497.15 પર બંધ થયો હતો અને હવે આ નેગેટિવ સમાચારને કારણે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. જોકે, બજારના નિષ્ણાતો અને જેએમ ફાઇનાન્શિયલ જેવી બ્રોકરેજ ફર્મ્સ હજુ પણ આ સ્ટોક પર લાંબા ગાળા માટે તેજીમાં છે અને રૂ.14,250 નો લક્ષ્ય ભાવ જાળવી રાખ્યો છે. રૂ.3.38 લાખ કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતી આ બ્લૂ-ચિપ કંપની માટે આ ટેક્સ વિવાદ એક કામચલાઉ અવરોધ સાબિત થાય છે કે નહીં, તે જોવું રહ્યું.

(4:33 PM IST)