હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં 'હિજાબ' વિવાદ વકર્યો: નીતિશ કુમારે જે ડોક્ટરનો બુરખો ઉતાર્યો હતો, તે હજુ પણ ફરજથી અલિપ્ત
પટણાના સબલપુર હેલ્થ સેન્ટરમાં ડો. નુસરત પરવીન શનિવારે પણ હાજર ન થયા; મુખ્યમંત્રીની 'આ શું છે?' વાળી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ઉઠ્યું વાવાઝોડું, મીડિયા કવરેજથી બચવા પરિવારે રસ્તો બદલ્યો કે નારાજગી?

પટણા: બિહારના રાજકારણમાં 'હિજાબ અને બુરખા' પર શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મુખ્યમંત્રી નીતિશ કુમારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટર નુસરત પરવીનનો બુરખો ઉતાર્યાની ઘટના બાદ હવે નવો વળાંક આવ્યો છે. નુસરત પરવીનને શનિવારે સાંજે પટણાના સબલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ફરજ પર હાજર થવાનું હતું, પરંતુ નિર્ધારિત સમય વીતી ગયા બાદ પણ તેઓ ફરજ પર પહોંચ્યા નથી. પટણા સિવિલ સર્જને પુષ્ટિ કરી છે કે ૨૦ ડિસેમ્બર સુધી જોડાવાની તારીખ લંબાવવામાં આવી છે, છતાં સોમવારે તે હાજર થશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગયા સોમવારે મુખ્યમંત્રી સચિવાલયમાં આયુષ ડોક્ટરોને નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમમાં થઈ હતી. જ્યારે નુસરત પરવીન સ્ટેજ પર પહોંચી ત્યારે નીતિશ કુમારે તેના પહેરવેશ પર સવાલ ઉઠાવી 'આ શું છે?' તેમ કહી કથિત રીતે તેનો બુરખો હટાવી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ જતાં વિપક્ષે મુખ્યમંત્રી પર મહિલાના સન્માન અને ધાર્મિક સ્વતંત્રતાના ભંગના આક્ષેપો કર્યા છે. આ મામલે રાજકીય ગરમાવો એટલો વધ્યો છે કે સબલપુર પીએચસીના ડોક્ટરો પણ હવે આ નિમણૂક અંગે ગોળ-ગોળ જવાબો આપી રહ્યા છે.
બીજી તરફ, નુસરત પરવીનનો પરિવાર મીડિયાના તીખા સવાલો અને કેમેરાની નજરથી બચવા માટે રસ્તો શોધી રહ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ મહફૂઝુર રહેમાનના જણાવ્યા અનુસાર, પરિવાર સરકાર કે નીતિશ કુમારથી નારાજ નથી, પરંતુ જે રીતે આ ઘટનાનું મીડિયા કવરેજ થઈ રહ્યું છે તેનાથી તેઓ નિરાશ છે. પરિવારના સભ્યોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ વિરોધમાં ક્યાંય બહાર ગયા નથી, માત્ર માનસિક શાંતિ માટે થોડો સમય દૂર છે. જોકે, નિમણૂક પત્ર હજુ સુધી સિવિલ સર્જન ઓફિસમાંથી આવ્યો ન હોવાની વાત પણ વિલંબ પાછળનું એક ટેકનિકલ કારણ માનવામાં આવી રહ્યું છે.
આ વિવાદ વચ્ચે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નીતિશ કુમારનો બચાવ કરતા ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "મુખ્યમંત્રી અને વિદ્યાર્થીની વચ્ચેનો સંબંધ પિતા-પુત્રી સમાન છે, તેને વિવાદનું રૂપ આપવું દુઃખદ છે." રાજ્યપાલે વિપક્ષ અને મીડિયાને આ મુદ્દાને વધુ ન ઉછાળવા અપીલ કરી છે. છતાં, સવાલ એ ઉભો થાય છે કે જો બધું જ સામાન્ય છે, તો ડો. નુસરત કેમ હજુ સુધી હોસ્પિટલ પહોંચ્યા નથી? શું ૨૦ ડિસેમ્બરના અંતિમ દિવસે તેઓ ફરજ પર જોડાઈને આ વિવાદનો અંત લાવશે કે પછી આ મામલો હજુ વધુ ઉગ્ર બનશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
