<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

રશિયાનો ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘માસ્ટર સ્ટ્રોક’: એન્ટ્રન્સ એક્ઝામ વગર મળશે ફુલ સ્કોલરશિપ : વિદેશમાં ભણવાનું સપનું થશે સાકાર

રશિયન સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે લેવાયેલો ઐતિહાસિક નિર્ણય; મેડિકલથી લઈને સ્પેસ સાયન્સ સુધીના કોર્સમાં પ્રવેશ પરીક્ષા વગર સીધું જ એડમિશન મળશે : માત્ર એકેડેમિક રેકોર્ડ અને પોર્ટફોલિયોના આધારે ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને રશિયાની ટોચની યુનિવર્સિટીઓમાં ભણવાની સુવર્ણ તક

નવી દિલ્હી : વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે રશિયા તરફથી એક ખૂબ જ રાહતના અને ઉત્સાહવર્ધક સમાચાર આવ્યા છે. રશિયન ફેડરેશને જાહેરાત કરી છે કે હવે ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ અઘરી પ્રવેશ પરીક્ષા  આપવાની જરૂર રહેશે નહીં. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી  સુધીના તમામ અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે. પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે વિદ્યાર્થીના અત્યાર સુધીના શૈક્ષણિક દેખાવ અને તેના પ્રોફાઇલ પર આધારિત રહેશે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ વગર કારકિર્દી બનાવવાની મોટી તક પૂરી પાડે છે.

આ શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ મેડિસિન, એન્જિનિયરિંગ, ફાર્મસી અને ખાસ કરીને એરોસ્પેસ અભ્યાસ જેવા અત્યાધુનિક વિષયો પસંદ કરી શકશે. રશિયાએ ભાષાના અવરોધને દૂર કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે; જે વિદ્યાર્થીઓ રશિયન ભાષા જાણતા નથી, તેમને મુખ્ય અભ્યાસ શરૂ કરતા પહેલા એક વર્ષનો પ્રિપેરેટરી લેન્ગવેજ કોર્સ કરાવવામાં આવશે. મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને કાઝાન જેવી વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવાની આ તક ભારતીય યુવાનો માટે આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મેળવવાનું માધ્યમ બનશે. મોટાભાગના કોર્સ અંગ્રેજી માધ્યમમાં પણ ઉપલબ્ધ છે, જે તેને વધુ અનુકૂળ બનાવે છે.

અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ચૂકી છે અને પ્રથમ તબક્કાની અંતિમ તારીખ ૧૫ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ તેમના સંશોધન પત્રો, ઓલિમ્પિયાડ પ્રમાણપત્રો અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજો સાથે મજબૂત પોર્ટફોલિયો તૈયાર કરવાનો રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ બીજા તબક્કામાં રશિયન મંત્રાલય દ્વારા યુનિવર્સિટીની ફાળવણી અને વિઝા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રશિયાની આ ઓફર માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.

(6:34 PM IST)