હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયા-યુક્રેન યુદ્ધમાં ૨૦૦થી વધુ ભારતીયો રશિયન સેનામાં જોડાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો : ૨૬ લોકો શહીદ
વિદેશ મંત્રાલયે સંસદમાં આપી મહત્વની વિગતો : ૧૧૯ ભારતીયોને વહેલી તકે ડિસ્ચાર્જ અપાવવામાં સફળતા મળી : હજુ પણ ૫૦ નાગરિકો રશિયન આર્મીમાં હોવાનો અંદાજ અને ૧૦ મૃતકોના અવશેષો ભારત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ભારતીય નાગરિકોની ભાગીદારી અને જાનહાનિ અંગે કેન્દ્ર સરકારે સંસદમાં મહત્વપૂર્ણ ડેટા રજૂ કર્યો છે. વિદેશ મંત્રાલયે (MEA) શુક્રવારે રાજ્યસભામાં સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૨૨થી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી થયા હોવાનું જાણવા મળ્યું છે.
જાનહાનિ અને ગુમ થયેલા નાગરિકોના આંકડા
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં ૨૬ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, રશિયન સરહદની અંદર ૭ ભારતીયો ગુમ થયા હોવાનું પણ જણાવાયું છે. સરકારે યુદ્ધમાં માર્યા ગયેલા અથવા ગુમ થયેલા ૧૮ ભારતીયોના ડીએનએ (DNA) સેમ્પલ પણ રશિયન સત્તાવાળાઓ સાથે શેર કર્યા છે જેથી તેમની ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. હાલમાં, ૧૦ મૃતકોના પાર્થિવ દેહ ભારત પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ડિસ્ચાર્જ અને સુરક્ષિત ઘરવાપસી
મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે ભારત સરકારના સતત પ્રયાસો અને રશિયન વહીવટીતંત્ર સાથેની રાજદ્વારી વાટાઘાટોને કારણે અત્યાર સુધીમાં ૧૧૯ ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કરાવી ભારત પરત લાવવામાં સફળતા મળી છે. હજુ પણ અંદાજે ૫૦ ભારતીય નાગરિકો રશિયન સેનામાં ફરજ બજાવી રહ્યા છે, જેમને વહેલી તકે છૂટા કરી સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકાર રશિયા સાથે સતત સંપર્કમાં છે.
ઉચ્ચ સ્તરીય વાટાઘાટો
ભારતીય વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે આ મુદ્દો બંને દેશોના નેતાઓ, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વિવિધ સ્તરે ચર્ચવામાં આવી રહ્યો છે. રશિયન સેનામાં રહેલા તમામ ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી એ સરકારની પ્રાથમિકતા છે. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધ માટે વિશ્વના ૧૨૮ દેશોમાંથી ભરતી અભિયાન ચલાવ્યું હોવાના અહેવાલો છે.
નોંધનીય છે કે, આ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયાનક યુદ્ધ માનવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. રશિયાએ યુક્રેનના લગભગ ૨૦ ટકા હિસ્સા પર નિયંત્રણ મેળવી લીધું હોવાનું પણ અહેવાલો જણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
